નવી દિલ્હીઃ દેશમાં કોરોનાવાઈરસ રસીકરણનું પ્રમાણ જે રાજ્યો અને જિલ્લાઓમાં ઓછું રહ્યું છે તે વિશે નારાજગી દર્શાવવા અને જે તે સરકારો-વહીવટીતંત્રોને સાવચેત કરવા માટે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમીક્ષા બેઠક બોલાવી હતી. વિડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી બોલાવેલી તે બેઠકમાં વડા પ્રધાને કહ્યું કે જો આપણે એક અબજ નાગરિકોને કોવિડ-19 ડોઝ આપ્યા પછી લાપરવાહ બની જઈશું તો કોઈક નવી કટોકટી ઊભી થશે.
મોદીએ કહ્યું કે જે નાગરિકોએ હજી સુધી રસી લીધી ન હોય એમને પહેલો ડોઝ અપાય એની તકેદારી લો અને સાથોસાથ, બીજા ડોઝ ઉપર પણ એટલું જ ધ્યાન આપો. રસી લેવા અંગે ફેલાયેલી અફવા અને ગેરમાન્યતા આપણી સમક્ષ મોટો પડકાર છે. અમુક ચોક્કસ વિસ્તારોમાં આ પડકારો છે. એનો મોટો ઉકેલ એ છે કે લોકોને શક્ય એટલા જાગ્રત કરો. એ માટે ઘેર-ઘેર જઈને રસી આપો. અત્યાર સુધી તમે રસીકરણ કેન્દ્રોમાં લોકોને રસી આપતા રહ્યા છો, પરંતુ હવે સમય આવી ગયો છે કે તમારે દરેક ઘેર જઈને જેમણે રસી લીધી ન હોય એમને રસી આપવી જોઈએ.