ચંડીગઢઃ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પોતાના એક ચુકાદામાં સ્પષ્ટ કરી દીધું છે કે લગ્નજીવનમાં વિવાદ ઊભો થયા બાદની સ્થિતિમાં જો પતિનો પગાર વધે તો અલગ રહેતી પત્ની પણ એનાં ભરણપોષણ માટે વચગાળાના ભથ્થામાં વધારો માગવાને હકદાર છે.
હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એચ.એસ. મદાને આ આદેશ આપીને વચગાળાનું ભરણપોષણ-ભથ્થું વધારવા પત્નીએ કરેલી માગણીની વિરુદ્ધમાં એનાં પતિ વરુણ જગોટાએ કરેલી અરજીને ફગાવી દીધી છે. આ કેસમાં, વરુણનો પગાર રૂ. 95,000થી વધીને રૂ. 1,14,000 થતાં એની પત્નીએ પતિ તરફથી પોતાને અપાતું વચગાળાનું ભથ્થું રૂ. 20,000થી વધારીને રૂ. 28,000 કરવાની માગણી કરી હતી. ફેમિલી કોર્ટે તેની માગણીને વાજબી ઠેરવી હતી. એ ચુકાદાને પતિએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો, પણ હાઈકોર્ટે ફેમિલી કોર્ટના ચુકાદામાં હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કરી દીધો અને પતિની અરજીને ફગાવી દીધી અને કહ્યું કે પતિનો પગાર વધે તો પત્ની પણ વચગાળાના ભરણપોષણ ભથ્થામાં વધારો મેળવવાને હકદાર છે. ફેમિલી કોર્ટનો ચુકાદો ન તો ન્યાયતંત્ર વિરુદ્ધનો છે કે ન તો એમાં કોઈ પક્ષપાત છે. તેથી આમાં હસ્તક્ષેપ કરવા જેવું કંઈ નથી.