કાંવડ યાત્રા ખોટી છે તો બકરી ઈદ પર છૂટ કેમ?: સિંઘવી

નવી દિલ્હીઃ કેરળમાં 21 જુલાઈએ બકરી ઈદના તહેવારને ધ્યાનમાં રાખતાં કોવિડ-19 સંબંધી પ્રતિબંધોમાં સરકારે છૂટ આપી છે. વિરોધ પક્ષ કોંગ્રેસ અને ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA)એ આ નિર્ણયની તીખી ટીકા કરી છે. IMAએ સરકારના નિર્ણયને કાયદાકીય પડકાર આપવાની ચેતવણી આપી છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ ટ્વીટ કર્યું હતું કે જો કાંવડ યાત્રા ખોટી છે તો બકરી ઈદ પર પ્રતિબંધોમાં છૂટ આપવી ખોટી બાબત છે. ખાસ કરીને એવા રાજ્યમાં જ્યાં કોરોના કેસોમાં ઉછાળો આવ્યો છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે કેરળ સરકાર દ્વારા બકરી ઈદ સમારોહ માટે ત્રણ દિવસોની છૂટ આપવી એ નિંદનીય છે, કેમ કે રાજ્ય હાલ કોરોના કેન્દ્રોમાંનું એક છે. જો કાંવડ યાત્રા ખોટી છે તો બકરી ઈદ પર જાહેર સમારોહ માટે છૂટ આપવી પણ ખોટી વાત છે. IMAએ રવિવારે કેરળ સરકારને આ નિર્ણય પરત લેવા માટે વિનંતી કરતાં કહ્યું હતું કે એને મેડિકલ ઇમર્જન્સીના સંમયે ગેરજરૂરી અને ગેરવાજબી છે. ડોક્ટરોના ટોચની સંસ્થાએ કહ્યું હતું કે જો કેરળ સરકાર એ નિર્ણયને પરત નહીં લે તો એ સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવશે.

IMAએ એક નિવેદનમાં કહ્યું હતું કે IMAને એ જોઈને દુઃખ થઈ રહ્યું છે કે કોરોના કેસોમાં વધારાની વચ્ચે કેરળ સરકારે બકરી ઈદના ધાર્મિક સમારોહોને બહાને રાજ્યમાં લોકડાઉનમાં છૂટ આપવાનો એક આદેશ જારી કર્યો છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે કેરળના મુખ્ય પ્રધાન પી. વિજયને શનિવારે કોરોના સંબંધી પ્રતિબંધોમાં કેટલીક છૂટ આપવાની ઘોષણા કરી હતી.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]