મહિલા પંચનાં અધ્યક્ષા સ્વાતિની છેડતી કરનારની ધરપકડ

નવી દિલ્હીઃ દિલ્હી મહિલા પંચનાં અધ્યક્ષા સ્વાતિ માલીવાલે એવો દાવો કર્યો છે કે ગઈ કાલે રાતે એક શરાબી માણસે એમની છેડતી કરી હતી. આમ કહીને માલીવાલે આ રાષ્ટ્રીય પાટનગર શહેરમાં મહિલાઓની સુરક્ષા અંગે સરકારને સવાલ કર્યો છે. એમણે ટ્વિટરના માધ્યમથી કહ્યું છે કે નશો કરેલા એક કાર ડ્રાઈવરે એમની છેડતી કરી હતી અને તેની કાર દ્વારા પોતાને 10-15 મીટર જેટલા ઢસડ્યાં હતાં.

માલીવાલે કહ્યું છે કે, ગઈ કાલે મોડી રાતે હું દિલ્હીમાં મહિલાઓની સુરક્ષાની પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહી હતી. ત્યારે નશો કરેલા એક કાર ડ્રાઈવરે મારી છેડતી કરી હતી. મેં જ્યારે એને પકડ્યો ત્યારે એણે મારો હાથ કારના મિરરમાં ભરાવી દીધો હતો અને પછી મને ઢસડી હતી. ભગવાને મારો જાન બચાવ્યો. જો મહિલા પંચનાં અધ્યક્ષા જ દિલ્હીમાં સલામત ન હોય તો તો પરિસ્થિતિની કલ્પના જ કરવી રહી.

દિલ્હીના ડીસીપી (સાઉથ) ચંદન ચૌધરીએ સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું છે કે તે બનાવના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તે ઘટના ગઈ કાલે વહેલી સવારે લગભગ 2.45 વાગ્યે AIIMS હોસ્પિટલની બહાર બની હતી. પકડાયેલા આરોપીનું નામ હરિશચંદ્ર છે. એ સંગમ વિહાર વિસ્તારનો રહેવાસી છે. એણે દારૂ પીધેલી હાલતમાં માલીવાલને પકડ્યાં હતાં.