રેપિડ ટેસ્ટિંગ કિટથી બે દિવસ તપાસ ના કરવા નિર્દેશ

નવી દિલ્હીઃ દેશમાં જારી રહેલા કોરોના સંકટની વચ્ચે રેપિડ ટેસ્ટિંગ કિટ (કોવિડ-19 રેપિડ ટેસ્ટ)ને લઈને અગ્રણી મેડિકલ રિસર્ચ સંસ્થા ICMRએ રાજ્યો માટે માર્ગદર્શિકા જારી કરી છે. ICMRએ ટેસ્ટિંગ કિટને લઈને મળી રહેલી રાજ્યોની ફરિયાદો પછી આગામી બે દિવસો માટે કોવિડ-19 રેપિડ કિટનો ઉપયોગ નહીં કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. રાજસ્થાન સહિત કેટલાંય રાજ્યોએ આ ટેસ્ટિંગ કિટની ફરિયાદ કરી હતી. રાજસ્થાને આજે આ કિટનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું હતું અને કહ્યું હતું કે એનાથી એક્યુરસી માત્ર 5.4 ટકા છે.

માત્ર પાંચ ટકા જ પરીક્ષણો સાચાં

રાજસ્થાનના આરોગ્યપ્રધાન ડો. રઘુ શર્માએ કહ્યું હતું કે આ કિટથી પરીક્ષણોનાં પરિણામ વિશે એક રિપોર્ટ ઇન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચ (ICMR)ને મોકલવામાં આવ્યો છે. પ્રધાનને અનુસાર આ કિટથી માત્ર પાંચ ટકા સાચા અથવા યોગ્ય પરિણામો મળ્યાં છે.

તેમણે કહ્યું હતું કે સંક્રમિત થયેલા 168 કેસોમાં આ કિટથી પરીક્ષણ કરવામાં આવ્યાં હતાં, પણ આનું પરિણામ માત્ર 5.4 ટકા જ સાચા આવી રહ્યા છે અને જ્યારે પરિણામ સાચા ના હોય તો પછી આનાથી પરીક્ષણ કરવાથી શો લાભ?

સંક્રમિત કેસોમાં આ કિટનો પ્રયોગ નિષ્ફળ

શર્માએ કહ્યું હતું કે જ્યારે પહેલેથી સંક્રમિત કેસોમાં આ કિટનો પ્રયોગ નિષ્ફળ થઈ ગયો તો આનાથી પરીક્ષણો કરવાનો કોઈ લાભ નથી થાય. તેમણે કહ્યું હતું કે આમ પણ આ પરીક્ષણ અંતિમ નથી, કેમ કે પછીથી PCR ટેસ્ટ કરવો પડે છે. અમારા ડોક્ટરોના જૂથે સલાહ આપી હતી કે આનાથી પરીક્ષણ કરવાનો કોઈ લાભ નથી.

દેશમાં આરોગ્ય મંત્રાલય દ્વારા તાજા જારી કરવામાં આંકડા મુજબ દેશમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 590 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે, જ્યારે સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 18,601 કરોડ થઈ છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 1,336 નવા કેસ સામે આવ્યા છે અને 47 લોકોનાં મોત થયાં છે.