IC15 ઇન્ડેક્સ 485 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ ક્રિપ્ટોકરન્સી માર્કેટ સપ્તાહાંતે વધ્યા બાદ નવા સપ્તાહના પ્રથમ દિવસે પણ વધી હતી. માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ – IC15ના તમામ ઘટક કોઇનના ભાવમાં વધારો થયો હતો. ડોઝકોઇન, ચેઇનલિંક, અવાલાંશ અને બિટકોઇન એકથી ત્રણ ટકાની રેન્જમાં વધ્યા હતા.

અમેરિકાના અરકાન્સાસ રાજ્યના ધારાસભ્યોએ બિટકોઇન માઇનિંગનું નિયમન કરવાને લગતો ખરડો પસાર કર્યો છે. માઇનર્સનું ભેદભાવપૂર્ણ કરવેરાથી રક્ષણ કરવા તથા તેમના માટેની માર્ગદર્શિકા નક્કી કરવા આ ખરડો લાવવામાં આવ્યો હતો. યુનાઇટેડ કિંગડમ સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સીના ક્ષેત્રે સંશોધન આગળ વધારી રહ્યું છે અને આ કરન્સી વિકસાવવા માટે બેન્ક ઓફ ઇંગ્લેન્ડ ત્રીસ સભ્યોની ટુકડી રચશે.

હોંગકોંગના નાણાપ્રધાન પોલ ચાને કહ્યું છે કે દેશમાં વેબ3 વિકસાવવા માટે હાલ યોગ્ય સમય છે. તેમણે એમ પણ કહ્યું હતું કે હોંગકોંગ વેબ3 ઉદ્યોગના વિકાસ માટે મોટા પ્રમાણમાં રોકાણ કરી રહ્યું છે.

અગાઉ, ત્રણ વર્ષે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – IC15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.28 ટકા (485 પોઇન્ટ) વધીને 38,360 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 37,875 ખૂલીને 38,648ની ઉપલી અને 37,727 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.