હૈદરાબાદમાં ઓવૈસીના વેવાઈએ આત્મહત્યા કરી

હૈદરાબાદઃ શહેરના જાણીતા ઓર્થોપેડિક સર્જન ડો. મઝહરુદ્દીન અલી ખાને ગઈ કાલે અહીં એમના નિવાસસ્થાને પોતાના લમણે ગોળી મારીને આત્મહત્યા કરી હતી. 60 વર્ષીય ખાન AIMIM પાર્ટીના પ્રમુખ અને હૈદરાબાદના સંસદસભ્ય અસદુદ્દીન ઓવૈસીના વેવાઈ હતા. મૃતક ઓવૈસીની બીજી પુત્રી યાસ્મીનનાં સસરા હતા.

ડો. ખાને આત્મહત્યાનું પગલું બંજારા હિલ્સ વિસ્તારમાં આવેલા એમના નિવાસસ્થાને લીધું હતું. એમને એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ એમને મૃત લાવેલા ઘોષિત કર્યા હતા.

ડો. ખાન ઓવૈસી હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડન્ટ પણ હતા. એમના માથાની જમણી બાજુએ ગોળીના નિશાન જોવા મળ્યા હતા. પોલીસે મૃતદેહ ઓટોપ્સી માટે મોકલી આપ્યો હતો. પોલીસનું કહેવું છે કે ડો. ખાને પ્રોપર્ટીને લગતા કે કોઈક પારિવારિક વિવાદને કારણે પોતાની જાતને ગોળી મારીને ખતમ કરી હોવાની શંકા છે.

ડો. ખાને ગન લાઈસન્સ મેળવ્યું હતું. તપાસ એ કરવામાં આવી રહી છે કે એમણે આત્મહત્યા કરવા માટે પોતાની લાઈસન્સવાળી બંદૂકનો ઉપયોગ કર્યો હતો કે નહીં. પ્રાથમિક તપાસમાં માલૂમ પડ્યું છે કે એમણે તેમની જ બંદૂક વડે પોતાને ગોળી મારી હતી. અંતિમ પગલું ત્યારે તેઓ ઘરમાં એકલા જ હતા. જ્યારે એમણે ફોનના જવાબ ન આપ્યા ત્યારે કેટલાક સગાંઓ ચેક કરવા માટે એમના ઘેર પહોંચ્યા હતા. ત્યાં એમને ડો. ખાન લોહીના ખાબોચીયામાં પડેલા દેખાયા હતા. તરત જ એમણે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ડો. ખાનને હોસ્પિટલમાં લઈ જવાયા એના લગભગ ચારેક કલાક પહેલાં એમણે પોતાને ગોળી મારી હોવાનું મનાય છે.

ડો. ખાનના પુત્ર ડો. આબિદ અલી ખાને અસદુદ્દીન ઓવૈસીની બીજી પુત્રી સાથે 2020માં લગ્ન કર્યા હતા.