લોકડાઉન 5.0ની જોરશોરથી ઉડેલી અફવાને ગૃહ મંત્રાલયનો રદિયો

નવી દિલ્હીઃ દેશ કોરોના વાઇરસ સામેના જંગમાં લોકડાઉનના ચોથા તબક્કા હેઠળ છે, જે 31 મે પૂરું થશે. દેશ આ મહાબીમારી સામે લડી રહ્યો છે, ત્યારે સોશિયલ મિડિયા અનેક અફવાઓ, નકલી દાવાઓ અને ગેરમાહિતીથી ઊભરાઈ રહ્યું છે. કેટલાંક મિડિયા ગૃહો દ્વારા કોવિડ-19 અને લોકડાઉન લંબાવવાને સંબંધિત ખોટી માહિતી ફેલાવવા સામે સરકારે આજે નિવેદન કરીને સ્પષ્ટતા કરવી પડી છે.

લોકડાઉનનો ચોથો તબક્કો હવે છેલ્લા સપ્તાહમાં પ્રવેશ્યો છે, ત્યારે ઇન્ડિયા ટુડેએ કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA)નાં આંતરિક સૂત્રોને ટાંકીને લોકડાઉન 5.0 વિશેની વિગતવાર માહિતી આજે બપોરે જાહેર કરી હતી. ઈન્ડિયા ટુડે અને તેની હિન્દી ન્યૂઝ ચેનલ અને સમાચાર પોર્ટલ આજતકનાન અહેવાલમાં પણ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 31 મેએ રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં લોકડાઉન-5ની જાણકારી આપશે.

જોતજોતામાં આ સમાચાર સોશિયલ મિડિયા પર ફરી વળ્યા હતા. ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ તરત જ આ અહેવાલને રદિયો આપતું ટ્વીટ કર્યું હતું અને અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા હતા. ખોટા અહેવાલો  પર સરકારની ચાંપતી નજર છે, એમ ગૃહ મંત્રાલયે કહ્યું છે.

 

ગૃહ મંત્રાલયે ઇન્ડિયા ટુડેના દાવાને ફગાવ્યો

ઇન્ડિયા ટુડેના અહેવાલમાં દાવો કરાયો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકડાઉન 5.0ની જાહેરાત તેમના કાર્યક્રમ ‘મન કી બાત’માં કરશે, જે 31 મેએ થવાનો છે. આ દાવાને નકારી કાઢતાં ગૃહ મંત્રાલયે (MHA) સત્તાવાર ટ્વિટર દ્વારા આને ફેક ન્યૂઝ કહીને ફગાવી દીધા હતા. MHAએ જણાવ્યું હતું કે તે પત્રકાર દ્વારા કરવામાં આવેલા તમામ દાવાઓ અને અટકળો ખોટાં છે. આ અહેવાલમાં MHAને ટાંકીને કહેવામાં આવેલી વાતો ખોટી અને બેજવાબદાર છે.

મોદીએ 24 માર્ચ, 2020એ 21 દિવસ માટે દેશવ્યાપી લોકડાઉન જાહેર કર્યું હતું. ત્યાર બાદ રાજ્યોની વિનંતીથી વડા પ્રધાને રાષ્ટ્રવ્યાપી લોકડાઉનને કેટલીક શરતો સાથે ત્રીજી મે સુધી લંબાવ્યું હતું. ત્યાર બાદ કોવિડ-19નો ચેપ વધુ પ્રસરતાં 17 મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું હતું, સાથોસાથ, દેશને રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોન – એમ ત્રણ ઝોનમાં વહેંચ્યો હતો.  ત્યાર બાદ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા લોકડાઉનને 31 મે સુધી લંબાવવામાં આવ્યું હતું.

ઈન્ડિયા ટુડેનો અહેવાલ પ્રસારિત થતાં અન્ય કેટલાંક મિડિયા ગૃહોએ પણ આંતરિક સૂત્રોને ટાંકીને લોકડાઉન 5.0 આવશે એવા દાવા કર્યા હતા, પણ ગૃહ મંત્રાલયે એ તમામ દાવાઓને પણ ફગાવી દીધા હતા. જોકે ત્યાં સુધીમાં સોશિયલ મિડિયા પર આ ન્યૂઝ ઝડપથી વાઇરલ થઈ ગયા હતા, લોકો ઝપાટાબંધ એકબીજાને ફોરવર્ડ કરવા માંડ્યા હતા. આખરે ગૃહ મંત્રાલયે ટ્વિટર પર એની સ્પષ્ટતા કરી હતી.