બેંગલુરુઃ કર્ણાટકની હાઇકોર્ટે ટ્વિટર ઇન્ક દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી, જેમાં કંપનીએ સામગ્રી દૂર કરવા માટે અને બ્લોક કરવા સંબંધી ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના આદેશને પડકારવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે કંપનીની અરજીનો કોઈ આધાર નથી.
જસ્ટિસ કૃષ્ણ એસ. દીક્ષિતે ટ્વિટર કંપની પર રૂ. 50 લાખનો દંડ પણ ફટકાર્યો હતો અને એને 45 દિવસોની અંદર કર્ણાટક રાજ્યના કાયદાકીય સત્તાવાળાઓ પાસે જમા કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે ચુકાદોનો મુખ્ય ભાગ વાંચતાં કહ્યું હતું કે ઉપરોક્ત પરિસ્થિતિઓમાં એ અરજી આધાર રહિત હોવાને કારણે અનુકરણીય દંડની સાથે ફગાવી દેવામાં આવે છે. અરજીકર્તા પર રૂ. 50 લાખનો દંડ ફટકારવામાં આવે છે, જે 45 દિવસોમાં બેંગલુરુમાં ભરવાનો છે. જો એમાં વિલંબ થશે તો એના પર પ્રતિ દિન રૂ. 5000નો વધારાનો દંડ ફટકારવામાં આવશે.
જસ્ટિસ દીક્ષિતે ટ્વિટરની અરજી ફગાવતાં કહ્યું હતું કે હું કેન્દ્રની એ દલીલ સાથે સહમત છું કે એની પાસે ટ્વીટને બ્લોક કરવાની અને એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવવાની શક્તિ છે. કેન્દ્ર સરકારે કોર્ટમાં કહ્યું હતું કે ટ્વિટર તેના યુઝર્સ વતી વાત કરી શકે નહીં. આ કિસ્સામાં તેને કોર્ટમાં અપીલ દાખલ કરવાનો કોઈ અધિકાર નથી. ટ્વીટ બ્લોક કરવાનો આદેશ વિવેક વગર કે એકપક્ષી રીતે લેવામાં આવ્યો ન હતો. રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને, ટ્વિટરને બ્લોક કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જેને કારણે લિંચિંગ અને ટોળાની હિંસાની ઘટનાઓને રોકી શકાશે.