e-સિગારેટ વેચતી ૧૫ વેબસાઈટને આરોગ્ય મંત્રાલયની નોટિસ

નવી દિલ્હી: ઈ-સિગારેટ પર ભારતમાં પ્રતિબંધ છે.તે છતાં તે વેચતી ૧૫ વેબસાઇટને આરોગ્ય મંત્રાલયે નોટિસ ફટકારી છે. સરકારે આ વેબસાઈટ્સને આદેશ આપ્યો છે કે તેઓ આ પ્રોડક્ટની જાહેરખબર અને વેચાણ કરવાનું બંધ કરે.

આ ઉપરાંત બીજી છ વેબસાઈટ પણ સરકારની નજરમાં છે અને આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ તે વેબસાઈટો પર ઈ-સિગારેટોની અપાતી જાહેરખબરો અને તેની મારફત કરાતા વેચાણ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. આ વેબસાઈટોને પણ ટૂંક સમયમાં જ નોટિસ મોકલવામાં આવશે. જે 15 વેબસાઈટ્સને નોટિસ આપવામાં આવી છે તેમાંની ચાર સાઈટે ઈ-સિગારેટની જાહેરખબરો કરવાનું અને વેચાણ કરવાનું બંધ કરી દીધું છે, પણ બાકીની વેબસાઈટ્સે હજી સુધી સરકારના આદેશનું પાલન કર્યું નથી. મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે જો આ વેબસાઈટો કાયદાનું પાલન નહીં કરે તો આરોગ્ય મંત્રાલય કેન્દ્રના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયને લેખિતમાં ફરિયાદ કરશે અને આ વેબસાઈટોને બંધ કરવાનું કહેશે. આ વેબસાઈટો સામે કાનૂની પગલું પણ ભરવામાં આવશે.