હાથરસઃ હાથરસ દુર્ઘટનામાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે (SIT)એ 300 પાનાંનો તપાસ રિપોર્ટ સુપરત કર્યો છે, જે પછી SDM સહિત છ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સિકંદરામઉના મામલતદારને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. બીજી જુલાઈએ સાકાર વિશ્વ હરિ ઉર્ફે ભોલે બાબાના સત્સંગમાં ધક્કામુક્કીમાં 121 લોકોનાં મોત થયાં હતા. આ મામલે ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથે સખત કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા.
આ મામલાની સુનાવણી હવે સુપ્રીમ કોર્ટમાં થશે. ધક્કામુક્કીને લઈને સુપ્રીમ કોર્ટમાં દાખલ જનહિત અરજી પર ત્વરિત સુનાવણીની માગ કરવામાં આવી હતી, જેનો કોર્ટે સ્વીકાર કર્યો છે. SITએ તપાસ રિપોર્ટમાં લખ્યું છે કે સત્સંગનું આયોજન કરવાવાળી કમિટીની બેદરકારીને કારણે દુર્ઘટના થઈ છે. આ સિવાય વહીવટી તંત્ર પર સવાલ ઊભા કરવામાં આવ્યા છે. જોકે આ રિપોર્ટમાં પણ ભોલે બાબાનો ઉલ્લેખ નથી. SITએ આ રિપોર્ટમાં 119 લોકોનાં નિવેદનો નોંધ્યા છે.
તપાસ કરી રહેલી ટીમમાં ADG આગરા ઝોન અનુપમ કુલશ્રેષ્ઠ અને અલીગઢ ચૈત્રા વી સામેલ હતા. SITએ કહ્યું હતું કે આ મામલામાં ઊંડી તપાસની પણ પણ જરૂર છે, જેનાથી ઘટનાથી જોડાયેલા કેટલાક મોટા ખુલાસા થવાનો અંદેશો છે.
શું છે રિપોર્ટમાં?
SITના ખુલાસામાં કહેવામાં આવ્યું છે કે સત્સંગમાં ભેગા થયેલા લોકોની સંખ્યા બે લાખથી વધુ હતી, જ્યારે અધિકારીઓ પાસે આશરે 80,000 લોકો માટે મંજૂરી માગવામાં આવી હતી. જે દિવસે દુર્ઘટના ઘટી હતી, એ દિવસે ડ્યુટી પર હાજર પોલીસ અધિકારીઓનાં નિવેદનો પણ સામેલ કરવામાં આવ્યા છે.