હાથરસઃ ઉત્તર પ્રદેશના હાથરસમાં ધક્કામુક્કી મામલે પોલીસે અત્યાર સુધી કાર્યવાહી કરતાં 24 લોકોની ધરપકડ કરી છે, જેમનાથી પૂછપરછ કરવામાં આવી રહી છે. એની સાથે અન્ય આરોપી સેવાદારોની ધરપકડ પણ કરવામાં આવી રહી છે. જોકે મુખ્ય સેવાદાર દેવપ્રકાશ મધુકર હજી પણ ફરાર છે. એની તપાસ માટે કેટલાય જિલ્લાઓમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.
આ મામલે તપાસ માટે પોલીસે સાત ટીમોની રચના કરી છે. એ સાથે 100થી વધુ લોકોના CDR શોધવામાં આવી રહ્યા છે. એક દિવસ પહેલાં જ CM યોગી આદિત્યનાથ કહ્યું હતું કે આ મામલે સખત કાર્યવાહી કરવામાં આવશે. બુધવારે મોડી રાત્રે અલાહાબાદ હાઇકોર્ટના નિવૃત્ત જસ્ટિસ બ્રજેશ કુમાર શ્રીવાસ્તવ દ્વિતીયની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની સમિતિ આ કેસની તપાસ કરશે. આ પંચ બે મહિનામાં તપાસ કરીને રિપોર્ટ સરકારને સોંપશે.
નિર્ભયા કેસમાં આરોપીઓનો વકીલ બાબાનો કેસ લડશે
દિલ્હીમાં ચર્ચિત નિર્ભયા મામલાના વકીલ એપી સિંહ હાથરસ મામલે સૂરજપાલ ઉર્ફે ભોલે બાબાનો કેસ લડશે. આ મામલે એપી સિંહનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે જ્યારે આ દુર્ઘટના થઈ, ત્યારે તો બાબા કાર્યક્રમ સ્થળથી ચાલ્યા ગયા હતા અને અનુયાયી એ સમજાવવા માટે અસફળ રહ્યા હતા કે આ ઘટનાનું કારણ શું હતું. તેમણે આ પૂરી ઘટનાનું ઠીકરું અસામાજિક તત્ત્વો પર ફોડ્યું હતું.
આ પહેલાં ભોલે બાબાનું નિવેદન પણ સામે આવ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ આ કેસની તપાસ માટે પોલીસ અને વહીવટી તંત્રની મદદ કરવા માટે તૈયાર છે.