નવી દિલ્હીઃ વર્ષ 2002 થી 2006 વચ્ચે ગુજરાતમાં થયેલા 22 એન્કાઉન્ટરોને ખોટા ગણાવનારી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. કોર્ટે ગુજરાત સરકારના વિરોધ છતા જસ્ટિસ એચએસ બેદી પેનલનો તપાસ રીપોર્ટ અરજીકર્તા જાવેદ અખ્તર અને બીજી વર્ગીસને આપવાના નિર્દેશ આપ્યા છે.
ગુજરાત સરકારની એ દલીલને સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી કે રિપોર્ટને ગોપનીય બનાવી રાખવામાં આવે કારણકે અરજીકર્તાના વકીલ પ્રશાંત ભૂષણ આને મુદ્દો બનાવી દેશે. જો કે ચીફ જસ્ટિસે જણાવ્યું કે અત્યારે સુપ્રીમ કોર્ટે આ રિપોર્ટનો સ્વિકાર કર્યો નથી. પહેલા અરજીકર્તા અને ગુજરાત સરકાર ચાર સપ્તાહની અંદર રિપોર્ટ પર પોતાની આપત્તિ વ્યક્ત કરે ત્યારબાદ કોર્ટ નક્કી કરશે કે રિપોર્ટને સ્વિકારવામાં આવે કે નહી.
નરેન્દ્ર મોદી જે સમયે ગુજરાતના મુખ્યપ્રધાન હતા તે સમયના મામલાની અરજીની સુનાવણી માટે 11 ડિસેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટ તૈયાર થઈ ગઈ હતી. કોર્ટે ગુજરાત સરકારને નિર્દેશ આપતા કહ્યું કે તે સર્વોચ્ચ ન્યાયલય દ્વારા નિયુક્ત દેખરેખ સમિતિનો અંતિમ રિપોર્ટનો એક સપ્તાહની અંદર જવાબ આપે.
આપને જણાવી દઈએ કે આ મામલે વરિષ્ઠ પત્રકાર બીજી વર્ગિસ અને ગીતકાર જાવેદ અખ્તરે અરજી દાખલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે 22 મુઠભેડો સંબંધિત આ મામલાની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવે. ત્યારબાદ હવે કોર્ટે અરજીની સુનાવણી માટે હામી ભરતા ગુજરાત સરકારને જવાબ આપવા માટે કહ્યું હતું.
આ મામલાની સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે 22 નકલી એન્કાઉન્ટર પર જસ્ટિસ બેદીનો રિપોર્ટ સાર્વજનિક ન કરવો જોઈએ. આખા મામલાને જવાબદારી સાથે પતાવવો જોઈએ. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે હલફનામુ દાખલ કરવાની મંજૂરી આપી. ગત વર્ષે માર્ચમાં સુપ્રીમ કોર્ટે તપાસ સમિતિ નિયુક્ત કરતા રિપોર્ટ આપવાનો નિર્દેશ કર્યો હતો.