10% અનામત ખરડો પસાર થયો; ખાલી પડેલા 29 લાખ પદ ભરવાનો પીએમ મોદી સામે પડકાર

નવી દિલ્હી – સવર્ણ જાતિઓમાં આર્થિક રીતે ગરીબ હોય એવા લોકો માટે સરકારી નોકરીઓ તથા શિક્ષણ સંસ્થાઓમાં 10 ટકા બેઠકો અનામત રાખવાના ખરડાને સંસદે મંજૂરી આપી દીધી છે. મંગળવારે લોકસભાએ મંજૂરી આપ્યા બાદ ગઈ કાલે રાજ્ય સભાએ પણ મંજૂરી આપી દીધી. બંને ગૃહે બહુમતીથી આ ખરડો પાસ કરી દીધો છે. વિરોધ પક્ષોએ એને પૂર્ણ રીતે સમર્થન આપ્યું. આમ, આ ખરડાને સંસદની મંજૂરી મળી ગઈ છે. સંસદ તરફથી મંજૂરીની મ્હોર મળી જતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખુશ થયા છે અને એમણે ટ્વિટર મારફત તમામ સંસદસભ્યો, ખાસ કરીને વિરોધ પક્ષોનો આભાર માન્યો છે.

પરંતુ હવે મોદીની સરકાર સામે મુખ્ય પડકાર છે સરકારી નોકરીઓમાં જનરલ કેટેગરીમાં અનેક વર્ષોથી ખાલી પડેલી જગ્યાઓ ભરવાનો. આ જગ્યાઓનો આંકડો 29 લાખ જેટલો છે.

આ નોકરીઓ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો સ્તરની છે.

બંધારણીય સુધારા ખરડો પાસ થઈ ગયો છે એને આગામી લોકસભા ચૂંટણી પૂર્વે વડા પ્રધાન મોદીનો માસ્ટર સ્ટ્રોક ગણવામાં આવે છે. સવર્ણ જાતિનાં લોકોને ખુશ કરવાનો આ સરસ નિર્ણય કહેવાયો છે.

આંકડાઓ અનુસાર, 13 લાખ જેટલી નોકરીઓ શિક્ષણ ક્ષેત્રમાં ખાલી પડી છે. તો પોલીસ સ્તરે 4 લાખ 43 હજાર પદ પર લોકોને નોકરીએ રાખવાના બાકી છે.

કેન્દ્રીય વિદ્યાલયોમાં 7,885 શિક્ષકોનાં પદ ખાલી છે.

સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ, આસામ રાઈફલ્સમાં 61,578 પદ ભરવાના બાકી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]