નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને કોવિડ-19ને એક્ટ ઓફ ગોડ ગણાવ્યો હતો. ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (GST) કાઉન્સિલની 41મી બેઠક પછી નાણાપ્રધાને કહ્યું હતું કે એની અસર GSTની વસૂલાત પર પડી છે. એનાથી નાણાકીય વર્ષ 2021માં GST વસૂલાતમાં 2.35 લાખ કરોડની ઘટ રહે એવી શક્યતા છે. આ બેઠકમાં કોઈ મોટો નિર્ણય લેવામાં નથી આવ્યો. નાણાપ્રધાને કહ્યું હતું કે ટૂ વ્હીલર્સ પર કરકપાતને લઈને સમયમર્યાદા નક્કી નથી કરવામાં આવી. કાઉન્સિલની આગામી બેઠકમાં એના પર વિચાર કરવામાં આવે એવી શક્યતા છે. GST કાઉન્સિલની આગામી બેઠક સપ્ટેમ્બરમાં થશે.
નાણાપ્રધાન નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની 41મી બેઠક વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજવામાં આવી હતી. આ બેઠકમાં બધાં રાજ્યોના પ્રતિનિધિ સામેલ થયા હતા.
તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર GST વળતર તરીકે રાજ્યોને નાણાકીય વર્ષ 2019-20માં 1.65 લાખ કરોડ રૂપિયાથી વધુ જારી કરી ચૂક્યું છે. એમાં માર્ચ માટે 13,806 કરોડ રૂપિયાનું વળતર પણ સામેલ છે. પાછલા નાણાકીય વર્ષમાં સેસથી આવેલી રકમ 95,444 કરોડ રૂપિયા રહી હતી.
રાજ્યોએ એક સપ્તાહનો સમય માગ્યો
આ બેઠકમાં રાજ્યોને અપાતા કોમ્પેનસેશન પર વિચારવિમર્શ થયો હતો. તેમણે કહ્યું હતું કે રાજ્યોને કોમ્પેનસેશનના બે વિકલ્પ રજૂ કરવામાં આવ્યા હતા. આ બંને વિકલ્પો પર વિચાર માટે રાજ્યોએ એક સપ્તાહનો સમય માગ્યો છે. કોમ્પેનસેશનની આ વ્યવસ્થા માત્ર નાણાકીય વર્ષ 2021 માટે રહેશે. નાણાં સચિવે નાણાકીય વર્ષ 2021માં 65,000 કરોડ રૂપિયાના કોમ્પેનસેશનની વસૂલાતની આશા દર્શાવી.
આ બે વિકલ્પ છેઃ – પહેલો વિકલ્પ કેન્દ્ર ઉધાર લઈને ચુકવણી કરે. બીજો વિકલ્પ રાજ્ય ખુદ RBI પાસેથી ઉધાર લે.
નાણાકીય વર્ષ 2021માં 2.35 લાખ કરોડના GSTની ઘટ
નાણાં સચિવે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2021માં 2.35 લાખ કરોડની GSTની ઘટ રહે એવી શક્યતા છે. GST ના લાગુ થવાથી આશરે 97,000 કરોડ રૂપિયાના કોમ્પેનસેશનની ઘટ આવી રહી છે. આ શોર્ટફોલ કોરોના રોગચાળાને કારણે થશે. નાણાં સચિવે જણાવ્યું હતું કે કોરોના રોગચાળાને કારણે GST વસૂલાત ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. તેમના જણાવ્યા મુજબ એટર્ની જનરલે સલાહ આપી છે કે GST વસૂલાતનો શોર્ટફોલ કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયાથી ના કરી શકાય.
GST દર વધારવા પર ચર્ચા નહીં
નાણાં સચિવે જણાવ્યું હતું કે કાઉન્સિલની બેઠકમાં GSTના દરોમાં વધારાને લઈને કોઈ ચર્ચા નથી કરવામાં આવી. તેમણે ચાલુ નાણાકીય વર્ષમાં ત્રણ લાખ કરોડ રૂપિયાના કોમ્પેનસેશન વસૂલાતની આશા વ્યક્ત કરવામાં આવી. તેમણે જણાવ્યું હતું કે રાજ્યોના GST કોમ્પેનસેશન માટે એપ્રિલથી જુલાઈના સમયગાળામાં 1.5 લાખ કરોડ રૂપિયા બાકી લેણાં છે.
ટૂ વ્હીલર્સ વાહનો પર 28 ટકા GST
ઓટોમોબાઇલ ક્ષેત્ર લાંબા સમયથી ટૂ વ્હીલર્સ વાહનો પર લાગતા GSTમાં કાપની માગ કરી રહ્યું છે. હાલમાં ટૂ વ્હીલર્સ પર 28 ટકા GST લાગે છે. ઓટોમોબાઇલ ક્ષેત્રથી જોડાયેલા લોકો એને ઘટાડીને 18 ટકા કરવાની માગ કરી રહ્યું છે.
GST ઘટાડવાના સૂચનનું સમર્થન
GST ઘટાડવાના સૂચન પર નાણાપ્રધાને કહ્યું હતું કે એ વાસ્તવમાં એક સારું સૂચન છે. એને GST કાઉન્સિલની બેઠકમાં ચર્ચવામાં આવશે, કેમ કે ટૂ વ્હીલર ના તો લક્ઝરી આઇટમ છે ના કો નુકસાન કરતી આઇટમ છે.
