મોહર્રમનું જુલૂસ કાઢવાની મંજૂરી આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી કરતાં મોહર્રમનું સરઘસ કાઢવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે જો અમે એની મંજૂરી આપીએ તો દેશમાં અરાજકતા ફેલાશે અને પછી એક સમુદાય વિશેષ તો કોરોના ફેલાવવાને નામે નિશાન બનાવવામાં આવશે. જે સુપ્રીમ કોર્ટ નહીં ઇચ્છે. કોર્ટે કહ્યું હતું કે એ એવો કોઈ આદેશ નહીં આપે, જેનાથી લોકોના આરોગ્યને કોઈ પણ પ્રકારનું જોખમ ઊભું થાય.

 જગન્નાથ પુરીમાં રથયાત્રા કાઢવાની મંજૂરી કેમ?

કોર્ટની આ ટિપ્પણી પર અરજીકર્તાએ સવાલ કરતાં કહ્યું હતું કે જ્યારે જગન્નાથ પુરીમાં રથયાત્રા કાઢવા માટે સુપ્રીમ કોર્ટ પાસે મંજૂરી માગવામાં આવી હતી, ત્યારે કોર્ટે એ મંજૂરી આપી હતી તો પછી મોહરમ જુલૂસને મંજૂરી કેમ નથી આપવામાં આવી. આના પર કોર્ટે કહ્યું હતું કે જગન્નાથ યાત્રા મામલામાં એક જ જગ્યાની વાત હતી. અમે સંભવિત જોખમની સમીક્ષા કરીને અને સાવધાનીની સાથે એને કાઢવાની મંજૂરી આપી હતી, પણ દેશમાં મોહરમનું જુલૂસ કાઢવા માટે કોઈ જનરલ આદેશ ના આપી શકાય.

કોર્ટ બધાની જિંદગી જોખમમાં ના મૂકી શકે

કોર્ટ બધાની જિંદગી જોખમમાં મૂકવાનું ના વિચારી શકીએ. જો કોઈ સ્થાન વિશેષની વાત હોત તો ત્યાં સંભવિત જોખમ વિશે સમીક્ષા કરી શકાત. કોર્ટની આ ટિપ્પણી પછી અરજીકર્તા દ્વારા માત્ર લખનૌમાં જુલૂસની મંજૂરી માગવામાં આવી હતી. ત્યાં હવાલો આપવામાં આવ્યો હતો કે શિયા સમુદાયના ઘણા લોકો ત્યાં રહે છે. ત્યાર બાદ કોર્ટે એના માટે અરજીકર્તાને અલાહાબાદ હાઇકોર્ટ જવાનો આદેશ આપ્યો હતો. આ અરજી શિયા ધર્મગુરુ કલ્બે જવ્વાદે દાખલ કરી હતી.