નવી દિલ્હી: કોરોના વાયરસના રોગચાળા દરમિયાન આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝર્સને કેન્દ્ર સરકારે આવશ્યક ચીજવસ્તુઓની યાદીમાં મૂકી હતી. પણ હવે એનો સમાવેશ આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝરમાં કરાતા એની પર હવે 12 ટકાને બદલે 18 ટકા GST લાગુ પડશે.
આવી કટોકટીભરી સ્થિતિમાં હવે લોકોને આ મહત્વની વસ્તુ પર પણ વધુ ટેક્સ ભરવો પડશે. જીએસટી અંગે ઓથોરિટી ઓફ એડવાન્સ રુલિંગ (AAR)ની ગોવા બેંચે આ આદેશ આપ્યો છે.
ગોવાની સ્પ્રિંગફિલ્ડ ઇન્ડિયા ડિસ્ટિલરીઝ કંપનીએ નોંધાવેલી અરજી પર AAR એજન્સી દ્વારા ઉપર મુજબ નિર્ણય જણાવવામાં આવ્યો છે. કંપનીએ પૂછ્યું હતું કે સેનિટાઈઝર આવશ્યક વસ્તુ છે, તો તેની પર GSTમાં છૂટ મળશે? એએઆરની ગોવા બેંચને કરેલી અપીલમાં કંપની દ્વારા બનાવવામાં આવતા સેનિટાઇઝર્સને વર્ગીકૃત કરવાનું કહેવામાં આવ્યું હતું.
કંપનીએ દલીલ કરી હતી કે, આ ઉત્પાદન પર 12 ટકા GST લાગુ પડે છે. વળી જો, સેનિટાઇઝર આવશ્યક ચીજવસ્તુ છે તો તેની પર જીએસટીમાં છૂટ મળવી જોઈએ. કારણ કે ગ્રાહક મંત્રાલયે હેન્ડ સેનિટાઈઝર્સને આવશ્યક ચીજવસ્તુના રૂપમાં વર્ગીકૃત કરી છે.
આની સામે AARએ જણાવ્યું કે, અરજદાર દ્વારા બનાવવામાં આવેલા હેન્ડ સેનિટાઈઝર્સ આલ્કોહોલ આધારિત છે એટલે તેની પર 18 ટકા GST લાગશે. ગ્રાહક બાબતોના મંત્રાલયે હેન્ડ સેનિટાઇઝરને આવશ્યક ચીજવસ્તુ તરીકે વર્ગીકૃત કર્યું છે, પરંતુ GST એક્ટમાં જે વસ્તુઓ પર છૂટછાટ મળી હોય છે, તેની યાદી જુદી હોય છે.
કોરોનાના જોખમને ધ્યાનમાં લઈને દુનિયાભરના દેશોની સ્વાસ્થ્ય ઓથોરિટીએ વાઈરસનો નાશ કરવા માટે એવા આલ્કોહોલ બેઝ્ડ હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવા પર ભાર મૂક્યો છે, જેમાં ઓછામાં ઓછા 60 ટકા આલ્કોહોલ હોય.