મારુતિ સુઝૂકીએ હજારો વેગન-R, બલેનો પાછી મગાવી

નવી દિલ્હીઃ મારુતિ સુઝૂકી કંપનીએ તેની વેગન-R મોડેલની કારની 56,663 યુનિટ્સ અને બલેનો મોડેલની કારની 78,222 યુનિટ્સને પાછી મગાવી છે, કારણ કે બંને કારના ફ્યુઅલ પમ્પમાં કોઈક ખરાબી હોવાની એને શંકા છે.

મારુતિએ વેગનઆર અને બલેનોની યુનિટ્સને પોતાના એરિના અને નેક્સા ડીલરશિપના માધ્યમથી પાછી મગાવી છે.

પાછી મગાવેલી મારુતિ બલેનોનું ઉત્પાદન 2019ની 15 જાન્યુઆરી અને 4 નવેંબર વચ્ચેના સમયગાળા દરમિયાન કરવામાં આવ્યું હતું. જ્યારે મારુતિ વેગનઆરનું ઉત્પાદન 15 નવેંબર-2018 અને 15 ઓક્ટોબર-2019 વચ્ચે કરવામાં આવ્યું હતું.

ભારતમાં આ સૌથી વધુ વેચાતી કાર છે.

પાછી મગાવેલી કારના ફ્યુઅલ પમ્પના ખરાબ પાર્ટ્સને મફતમાં ઠીક કરી આપશે. એ માટે ગ્રાહકો પાસેથી કોઈ ચાર્જ લેવામાં નહીં આવે.

ગ્રાહકોનો એરિના અથવા ડીલરશિપ માધ્યમથી ટૂંક સમયમાં જ સંપર્ક કરવામાં આવશે. અથવા ગ્રાહકો પોતે પણ એમની કારનું ચેકિંગ કરાવવા માટે કંપનીની વેબસાઈટના ‘Imp Customer Info’ વિભાગમાં જઈને ચેક કરી શકે છે. ત્યાં જઈને ગ્રાહકે પોતાના વાહનનો ચેસિસ નંબર નાખવાનો રહેશે. એના પરથી માલૂમ પડશે કે પોતાનું વાહન ખામીવાળું છે કે નહીં. જો હોવાનું માલૂમ પડે તો એમણે માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. વાહનનો ચેસિસ નંબર આઈડી પ્લેટ પર અથવા વાહનના રજિસ્ટ્રેશન દસ્તાવેજ ઉપર પણ લખ્યો હોય છે.

ગ્રાહકો નજીકના ડીલર પાસે જઈને પણ આ વિશેની જાણકારી મેળવી શકે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]