લખનઉ- ઉત્તર પ્રદેશના શામલીમાં એક પત્રકારને માર મારવાની ઘટના સામે આવી છે. અહીં એક ખાનગી ન્યૂઝ ચેનલ ન્યૂઝ 24માં સ્ટ્રિન્ગર તરીકે કામ કરતા અમિત શર્મા ડીરેલ થયેલી માલાગાડીનું રિપોર્ટીંગ કરવા પહોંચ્યાં ત્યારે જીઆરપી પોલીસકર્મીઓએ તેમને ખરાબ રીતે માર માર્યો હતો. અમિત જ્યારે તેમના મોબાઈલથી ઘટનાનું ફૂટેજ લઈ રહ્યો હતો ત્યારે જીઆરપી પોલીસ ઈન્સપેક્ટરે તેમનો મોબાઈલ લઈ લીધો હતો અને મારપીટ કરી હતી. ત્યાર બાદ અમિતને આખી રાત પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવ્યો હતો. સાથી પત્રકારોના ધરણાં બાદ સવારે તેમને છોડી મુકવામાં આવ્યાં હતાં. અમિતને મારપીટ કરતા હોય તેવો એક વિડિયો પણ સામે આવ્યો છે, જેમાં રેલવે પોલિસ કર્મચારીઓ બેરહેમીથી તેમને મુક્કા મારતાં જોવા મળી રહ્યાં છે.
પત્રકાર અમિત શર્માએ જણાવ્યું કે, તે સાદા ડ્રેસમાં હતા. એક પોલીસવાળાએ મને માર્યો તો કેમેરો નીચે પડી ગયો નીચે પડેલા કેમેરાને લેવા ગયો તો તેમણે મારી સાથે મારપીટ કરીને ગાળો પણ આપી. મને લોકઅપમાં બંધ કરી દીધો ફોન પણ લઈ લીધો અને તેમણે મારા મોંઢા પર પેશાબ કરી દીધો.
પત્રકારને માર મારવાના મામલે યૂપી પોલીસના ડીજીપી ઓપી સિંહે આ ઘટનામાં સામેલ જીઆરપી એસએચઓ રાકેશ કુમાર અને કોન્સ્ટેબલ સંજય પવારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.
મહત્વનું છે કે, શામલી રેલવે વિભાગની લાપરવાહીને કારણે ધીમાનપુરા રેલવે ફાટક નજીક મંગળવાર રાતે ટ્રેક શન્ટિંગ (ટ્રેક બદલવા) વખતે માલગાડીના બે ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા હતાં. માલગાડીના ડબ્બા પાટા પરથી નીચે ઉતરવાથી જોરદાર ઘડાકો થયો જેથી આસપાસના મુસાફરો ડરી ગયા. આ ઘટનામાં રેલવેના પાટા પણ ક્ષતિગ્રસ્ત થઈ ગયાં અને લાંબા સમય સુધી રેલા યાતાયાત બંધ રાખવો પડયો. સાથે જ રેલવે ફાટક પણ બંધ થવાને કારણે માર્ગ યાતાયાત પણ બંધ કરવો પડયો હતો. રેલવેના અધિકારીઓ અને એન્જિનિયરિંગ વિભાગની ટીમે મોડી રાત સુધી કામગીરી કરી હતી.