ચક્રવાત વાયુને ધ્યાનમાં રાખીને ભારતીય નૌકાદળ સ્ટેન્ડબાય નોટિસ પર

નવી દિલ્હી- વાવાઝોડુ વાયુની વિકસતી સ્થિતિ સામે તાત્કાલિક પ્રતિક્રિયા આપવા માટે પશ્ચિમ નૌકાદળ કમાન્ડ, મુંબઈ મુખ્યાલય પ્રારંભિક કામગીરીઓ શરૂ કરવામાં આવી છે. ‘વાયુ’ વાવાઝોડાની દિશા બદલાઈ હોવાનું રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. હવે વાવાઝોડું વેરાવળને બદલે પોરબંદર તરફ ડાયવર્ટ થયું છે. દિશાની સાથે સાથે સમય પણ બદલાયો છે. હવે વાવાઝોડું 13 જૂનના રોજ સવારને બદલે બપોરે ત્રાટકી શકે છે.

રાજ્યનાં વહીવટીતંત્ર, સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર અને ભારતીય તટરક્ષક દળ સત્તામંડળે માછીમારોને દરિયામાં આગળ વધવા સામે ચેતવણી જાહેર કરી છે અને તોફાની હવામાનની સ્થિતિ સામે જરૂરી તમામ આગોતરી સાવચેતીનાં પગલાં લીધાં છે. માનવીય સહાય અને આપત્તિ રાહત (એચએડીઆર)  રાહતસામગ્રી નક્કી કરેલા જહાજો પર ચઢાવી દેવામાં આવી છે તથા ટૂંકી નોટિસમાં તહેનાત થવા માટે સજ્જ છે.

દરિયામાં ભારતીય નૌકાદળનાં જહાજો અને નિયમિત ઉડાન પર નીકળેલા વિમાન/હેલિકોપ્ટરોને દરિયામાં કાર્યરત માછીમારીનાં જહાજોને જાણકારી આપવાની અને તેમને દરિયાકિનારે પરત ફરવાની સલાહ આપવાની સૂચના આપવામાં આવી છે. ભારતીય નૌકાદળની ડાઇવિંગ અને રેસ્ક્યુ ટીમો તથા રાહત સામગ્રીઓને સિવિલ ઓથોરિટીને જરૂર મુજબ સહાય માટે તૈયાર રાખવામાં આવી છે.

મુંબઈમાં ઇન્ડિયન નેવી હોસ્પિટલમાં તબીબી ટીમો અને સુવિધાઓને આકસ્મિક મેડિકલ સહાય માટે તહેનાત રાખવામાં આવી છે. P8I અને IL વિમાનને જરૂર મુજબ SAR ઝૂંબેશ હાથ ધરવા તહેનાત રાખવામાં આવ્યાં છે. મુખ્યાલયો,ઑફશોર ડિફેન્સ એન્ડ એડવાઇઝરી ગ્રૂપે દરિયાકિનારાના તમામ પ્લેટફોર્મને ચક્રવાત “વાયુ” પર એડવાઇઝરી જાહેર કરી છે.