‘વાયુ’ વાવાઝોડાથી દેશભરના ચોમાસા પર ભય, વાદળો વિખરાવાની ભીતિ

0
3664

નવી દિલ્હી- ભારતમાં હવામાન વિજ્ઞાન વિભાગે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાતી તોફાન વાયુની ચેતવણી જાહેર કરી દીધી છે. વાયુ વાવાઝોડુ 13 જૂને બપોરે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકશે. અરબ સાગરમાં ડિપ્રેશનની સ્થિતિ વાવાઝાડાનું સ્વરૂપ ધારણ કર્યું છે, જેને પગલે હવામાન વિભાગે 155-165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફુંકાતા પવનની સાથે ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે.

વાયુ વાવાઝોડાને કારણે અમદાવાદ,ગાંધીનગર અને રાજકોટ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારો વેરાવળ, ભૂજ, અને સૂરતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. વાવાઝોડાની અસરમાં સૌથી વધુ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, સોમનાથ, વેરાવળ, જામનગર, પોરબંદર અને કચ્છ સહિતના કેટલાક વિસ્તારોમાં ઝડપી ફુંકાતા પવન સાથે ભારે વરસાદ પડવાની સંભાવના છે. વાવાઝોડું વાયુના કારણે ઉત્તર મહારાષ્ટ્રમાં પણ 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાય તેવી શક્યતા છે.

વાયુ વાવાઝોડાના પગલે હવે એક એવી આશંકા પેદા થઈ છે કે,  આ વાવાઝોડુ ચોમાસાના વાદળોને ઉડાવી દેશે. ધીરે ધીરે આગળ વધી રહેલાં ચોમાસાને જોતાં એવુ વર્તાઇ રહ્યું હતું કે, મેદાની વિસ્તારોમાં થોડા દિવસો પછી રાહત મળશે. જો વાવાઝોડુ વાયુને કારણે ચોમાસાના વાદળો પર અસર પડશે તો ઉત્તર ભારતમાં હાહાકાર મચી જશે. કારણે કે મેદાની વિસ્તારોમાં મોટાભાગના ખેડૂતો ખેતી માટે વરસાદના પાણી પર જ નિર્ભર રહે છે.

દક્ષિણ પશ્ચિમ ચોમાસાને લઈને ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ચોમાસુ દક્ષિણ અરબ સાગર, લક્ષદ્વીપના મોટાભાગનો વિસ્તાર, કેરળ, અને દક્ષિણ તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં આગળ વધ્યું છે.

હવામાન વિભાગ અનુસાર મંગળવાર સુધીમાં દક્ષિણ અરબ સાગર, લક્ષદ્વીપ અને કેરળ, તમિલનાડુના કેટલાક વિસ્તારો, બંગાળની ખાડીના દક્ષિણ પશ્ચિમ, દક્ષિણ પૂર્વ, પૂર્વ મધ્ય અને ઉત્તર પૂર્વ તેમજ પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી અને મધ્ય અરબ સાગરના કેટલાક ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ છે.