ડ્રોનની મદદથી પ્રથમ વખત બનશે દેશનો ડિજિટલ નકશો

નવી દિલ્હી: સર્વે ઓફ ઇન્ડિયા લેટેસ્ટ ટેકનીકની મદદથી ભારતનો ડિજિટલ નકશો બનાવવાની તૈયારી કરી રહ્યું છે. આ કામ ડ્રોનની મદદથી કરવામાં આવશે. આમાં, જેટલા આંકડા આકાશમાંથી એકત્રિત કરવામાં આવશે એટલા જ જમીન પર પણ જમા કરવામાં આવશે. ભારત સરકારનો વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ડિજિટલ મેપિંગ પ્રોજેક્ટમાં બે વર્ષ સુધી સર્વે ઓફ ઈન્ડિયાની મદદ કરશે.

આ પ્રોજેક્ટની શરૂઆત મહારાષ્ટ્ર, કર્ણાટક અને હરિયાણાથી કરવામાં આવી છે. આ માટે ત્રણ ડિજિટલ સેન્ટર બનાવવામાં આવ્યા છે. અહીંથી સમગ્ર દેશનો ભૌગોલિક ડિજિટલ ડેટા બનાવવામાં આવશે. જો કે, રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ સ્થળોના નકશા નહીં બનાવવામાં આવે.

સર્વે ઓફ ઈન્ડિયાનું કહેવું છે કે, આ નકશા 10 સે.મી. સુધીની સચોટ ઓળખ પ્રદાન કરશે. હાલમાં સર્વે ઓફ ઈન્ડિયાના 2500થી વધુ ભૂ નિયંત્રણ કેન્દ્ર છે જેના આધારે મેપિંગ કરવામાં આવી રહ્યું છે. આ ભૂ-નિયંત્રણ કેન્દ્ર દેશના પ્રત્યેક 30થી 40 કિમીના અંતરમાં સમાનરૂપે વિસ્તારીત કરવામાં આવ્યા છે.

ડિજિટલ નકશા બનાવવા માટે વર્ચ્યુઅલ કોર્સ (CORS)  સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેની મારફતે થોડા સેન્ટીમીટરની નિશ્ચિતતા સાથે 3D ઓનલાઇન પોઝિશનિંગ આપી શકાશે. એટલે કે, કોઈપણ ક્ષેત્રની 3D પોઝિશન એક ક્લિકમાં શોધી શકાશે. આ ડિજિટલ નકશો સેટેલાઇટ નિયંત્રિત જીપીએસ સિસ્ટમ્સ, ગૂગલ મેપ્સ કરતા વધુ સચોટ અને સ્પષ્ટ હશે.

મહત્વનું છે કે વર્તમાન નકશા બ્રિટિશ સર્વેયર કર્નલ જોર્જ એવરેસ્ટે 1 મે 1830 ના રોજ બનાવ્યા હતાં. વર્તમાન માગને જોતા ભારતની 252 વર્ષ જૂની વૈજ્ઞાનિક સંસ્થા સર્વે ઓફ ઈન્ડિયા, ડ્રોનની મદદથી ભારતના કુલ 32 લાખ વર્ગ કિલોમીટર ક્ષેત્રમાંથી 24 લાખ વર્ગ કિલોમીટર ક્ષેત્રનું મેપિંગ કરશે.

ડિજિટલ નકશા તમામ સરકારી વિભાગોમાં નિ:શુલ્ક ઉપલબ્ધ હશે. જોકે, નક્શાનો ઉપયોગ કરનાર વ્યાવસાયિક પરિયોજનાઓ એ તેમના લાભનો એક ભાગ સર્વે ઓફ ઈન્ડિયાને આપવો પડશે. પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીઓ મુજબ અત્યાર સુધી હવાઈ ફોટોગ્રાફીની મદદથી નક્શા તૈયાર કરવામાં આવતા હતા, જેમાં વિમાન પર કેમેરા લગાવીને તસવીરો ખેંચવામાં આવે છે. અગાઉના વખતમાં નકશા બનાવવા માટે સર્વેયરને દુર્ગમ વિસ્તારો અને ગાઢ જંગલોમાં પોતાનો જીવ જોખમમાં નાખીને કામ કરવું પડતુ હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]