નવી દિલ્હી: હૈદરાબાદના લોકસભા સાંસદ અને એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ગુરુવારે નાગરિકતા સંશોધન બિલ(સિટિઝનશીપ એમેન્ડમેન્ટ બિલ) અને એનઆરસી મુદ્દે એક ચેનલને આપેલી મુલાકાતમાં કહયું હતું કે, પોતે આ પગલાનો વિરોધ કરવાના છે. સંવિધાનમાં નાગરિકતાને ધર્મ સાથે નથી જોડેલી. ભાજપ સરકાર એનો સાચો ચહેરો હવે દેખાડી રહી છે. આ પગલું સંવિધાનના 14 અને 21મા અનુચ્છેદના ઉલ્લંઘન સમાન છે.
ઔવેસીએ કહ્યું કે આ બિલ પછી મુસ્લિમ સિવાય બધાને નાગરિકતા મળી જશે અને મુસ્લિમોને ડિટેન્શન સેન્ટરમાં નાખી દેવામાં આવશે. મોદી સરકાર દેશને તોડવાનું કામ કરી રહ્યા છે.
સંવિધાનની પ્રસ્તાવનાનો ઉલ્લેખ કરીને ઔવેસીએ કહ્યું હતું કે આ બિલ બનાવીને સરકાર ભારતને ઈઝરાયલની કતારમાં જોડી રહ્યું છે. આ નૈતિકતાની વિરોધનું પગલું છે. આ બિલનો વિરોધ દરેકે કરવો જોઈએ. આસામમાં એનઆરસી બિલ લાગુ કરી એના પરિણામ જોઈ લીધા. દેશમાં જ્યાં સુધી સંવિધાન છે ત્યાં સુધી ધર્મના આધારે દેશને તોડી નહીં શકાય.
ઔવેસીએ કહ્યું વડાપ્રધાનને પાકિસ્તાન અને બાંગ્લાદેશના હિન્દુઓની ચિંતા છે, તેના બદલે તેને દેશના નાગરિકોની પહેલા ચિંતા થવી જોઈએ. સરકાર મુસલમાનોને સ્ટેટલેસ બનાવવા માગે છે. નાગરિક સંશોધન બિલ બનાવીને સરકાર ભારતને ઈઝરાયલની હરોળમાં લઈ જવા માગે છે.