બળાત્કારીઓ સામે દેશભરમાં ભભૂકતો રોષઃ નિર્ભયાના દોષિતોને ફાંસીની માંગ

નવી દિલ્હી: નિર્ભયા સામૂહિક બળાત્કાર હત્યાકાંડના ગુનેગારોને ફાંસીના માચડે લટકાવવા માટે હિમાચલના એક વ્યક્તિએ રાષ્ટ્રપતિને પત્ર લખીને તિહાડ જેલમાં પોતાને કામચલાઉ જલ્લાદના પદ પર નિયુક્ત કરવાની માગ કરી છે. શિમલાના રવિ કુમારે કહ્યું કે, મને જલ્લાદના રૂપમાં નિયુક્ત કરો જેથી નિર્ભયા કાંડના દોષિઓને જલ્દી ફાંસી આપી શકાય અને નિર્ભયાની આત્માને શાંતિ મળે. મહત્વનું છે કે, દિલ્હીની તિહાડ જેલમાં અત્યારે કોઈ જલ્લાદ નથી. 40 વર્ષીય રવિ સંજૌલી શાકભાજી વેચવાનું કામ કરે છે. તેમણે ગત લોકસભા ચૂંટણીમાં શિમલાથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી પણ લડી હતી.

દિલ્હી જેલના ડાયરેક્ટર જનરલ સંદીપ ગોયલે મીડિયા અહેવાલોના હવાલેથી જણાવ્યું કે, તિહાડ જેલ અથવા મંડોલી જેલમાં કોઈ અધિકૃત પ્રશિક્ષિત જલ્લાદ નથી જે ફાંસીની જવાબદારી નિભાવી શકે. તેમણે કહ્યું, “જોકે, ચિંતા કરવાની કંઈ વાત નથી. જ્યારે આવી સ્થિતિ આવશે (નિર્ભયા કેસના ગુનેગારોને ફાંસી આપવાની) ત્યારે બધું મેનેજ થઈ જશે. અમે બીજા રાજ્યમાંથી કોઈ જલ્લાદને બોલાવી લેશું.”

મહત્વનું છે કે સોમવારે નિર્ભયાના દાદા લાલજી સિંહે આ કેસના ગુનેગારોને હજુ સુધી ફાંસી ન દેવા અંગે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે નિર્ભયાના ગુનેગારોને ફાંસી ન આપવાને કારણે બળાત્કારીઓનું મનોબળ વધ્યું છે અને તેથી દેશમાં આવી ઘટનાઓ વધી રહી છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર બળાત્કાર અંગે નવો કડક કાયદો બનાવવાની વાત કરી રહી છે, પણ માત્ર કાયદો બનાવવાથી શું થશે?

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]