નવી દિલ્હીઃ બેન્ક એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ મેઇનટેનન્સ ના થવા પર બેન્ક ગ્રાહકો પાસેથી દંડ વસૂલે છે. દેશની સરકારી બેન્કોએ છેલ્લાં પાંચ વર્ષમાં મિનિમમ બેલેન્સ પેનલ્ટીથી રૂ. 8500 કરોડની કમાણી કરી છે.
જોકે દેશની સૌથી મોટી સરકારી બેન્કે SBIએ નાણાકીય વર્ષ 2020થી જ મિનિમમ બેલેન્સ પેનલ્ટી વસૂલવી બંધ કરી દીધી છે. જોકે તેમ છતાં છેલ્લાં પાંચ વર્ષમાં સરકારી બેન્કોની મિનિમમ બેલેન્સ પેનલ્ટીની રકમ 38 ટકા વધી ગઈ છે. નાણાં રાજ્ય મંત્રી પંકડ ચૌધરીએ લોકસભામાં એક સવાલના જવાબમાં આ માહિતી આપી છે.
સરકારી બેન્કોએ નાણાકીય વર્ષ 2020થી 2024 દરમ્યાન મિનિમમ બેલેન્સ પેનલ્ટી તરીકે રૂ. 8500 કરોડની વસૂલાત કરી છે. 11 સરકારી બેન્કોમાંથી છ બેન્કોએ મિનિમમ ત્રિમાસિક સરેરાશ બેલેન્સ જાળવણી નહીં કરવા બદલ ગ્રાહકોથી દંડ વસૂલ્યો છે. ગ્રાહકો માટે મિનિમમ બેલેન્સની લિમિટ શહેરો અને ગામોમાં અલગ-અલગ છે.
નાણાં રાજ્ય મંત્રીએ કહ્યું હતું કે બેન્કોના અકાઉન્ટ્સ ખોલતા સમયે ગ્રાહકોને મિનિમમ બેલેન્સ વિશે જણાવવું જરૂરી છે. જો ગ્રાહક મિનિમમ બેલેન્સ મેઇનટેઇન નહીં કરે તો બેન્કોએ દંડ વિશે ગ્રાહકને જણાવવું જોઈએ. SBI 2019-20માં મિનિમમ બેલેન્સ પેનલ્ટીથી રૂ. 640 કરોડની કમાણી કરી હતી. ત્યાર બાદ બેન્કે એ પ્રેક્ટિસ બંધ કરી દીધી હતી. 2023-24માં પંજાબ નેશનલ બેન્કે આ પેનલ્ટીથી રૂ. 633 કરોડ, BOBએ રૂ. 387 કરોડ, IOBએ રૂ. 369 કરોડ, કેનેરા બેન્કે રૂ. 284 કરોડ અને બેન્ક ઓફ ઇન્ડિયાએ રૂ. 194 કરોડની કમાણી કરી હતી.