બીજાં લગ્ન માટે સરકારની મંજૂરી જરૂરી

નવી દિલ્હીઃ આસામના મુખ્ય મંત્રી હેમંત બિશ્વા સરમાએ સરકારી કર્મચારીઓ માટે મોટો નિર્ણય લીધો છે. હવે સરકારી કર્મચારીની જો પત્ની જીવિત છે અને તે બીજાં લગ્ન કરવા ઇચ્છે તો તેણે એ માટે સરકારની મંજૂરી લેવી પડશે. રાજ્યના બધા સરકારી કર્મચારીઓએ બીજાં લગ્ન માટે મંજૂરી લેવી પડશે, પછી ભલે તેમનો ધર્મ એની મંજૂરી આપતો હોય.

સરકાર દ્વારા જારી થયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ સરકારી કર્મચારી- જેની પત્ની જીવિત છે, તે સરકારની મંજૂરી વગર બીજાં લગ્ન નહીં કરી શકે. પછી ભલે એના પર લાગુ થતા પર્સનલ લો હેઠળ તેને બીજાં લગ્ન માટે મંજૂરી હોય.

કેટલાક ધર્મોમાં બીજાં લગ્ન કરવાની મંજૂરી છે, પરંતુ આવા કેસોમાં કરકારી કર્મચારીઓને બીજાં લગ્ન માટે સરકારની મંજૂરી લેવાની રહેશે. એ પછી સરકાર નક્કી કરશે તે તેને મંજૂરી આપવી કે નહીં, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે સરકાર સામે વારંવાર આવા કેસો સામે આવે છે, જ્યારે પતિના મોત પછી બંને પત્નીઓમાં પેન્શનને લઈને ઝઘડો થવા લાગે છે. આ કેસોમાં ઉકેલ લાવવો બહુ મુશ્કેલ હોય છે. આવામાં વિધવા પેન્શનથી વંચિત રહી જાય છે. તેમણે દાવો કર્યો હતો કે આ નિયમ પહેલેથી હતો. બસ એને લાગુ નહોતો કરવામાં આવ્યો. તેમણે કહ્યું હતું કે હિન્દુ હોય કે મુસ્લિમ, સરકારી કર્મચારીઓને બીજાં લગ્ન માટે સરકારની મંજૂરી લેવાની રહેશે.