નવી દિલ્હી: શું તમે ગૂગલની ફોટોઝ એપ વાપરો છો? તો તમારા માટે માઠા સમાચાર છે. ગૂગલની ફોટો એપ ગૂગલ ફોટોઝમાં મોટી ખામી હોવાનું સામે આવ્યું છે. આ કારણે યૂઝર્સની પ્રાઈવેસીને મોટું નુકસાન પહોંચ્યું છે. ગૂગલની આ ખામીને લીધે તમારા ગૂગલ ફોટોઝમાં રાખેલો પર્સનલ વીડિયો અજાણ્યા લોકોને શેર થઈ ગયા છે. ગૂગલે કેટલાક લોકોનો ક્લાઉડ ડેટા અન્ય લોકોને આપી દીધો છે. શક્ય છે કે તેમાં તમારો પણ સમાવેશ થયો હોય. ગૂગલે આ માટે યૂઝર્સને એલર્ટ કરવાના પણ શરૂ કરી દીધું છે.
કંપનીએ કહ્યું કે, સોફ્ટવેરમાં આવેલા એક બગને કારણે કેટલાક યૂઝર્સના અંગત વીડિયો ઈમેલ મારફતે અજાણ્યા લોકોની પાસે પહોંચી ગયા છે. ગયા વર્ષે 21 નવેમ્બરથી 25 નવેમ્બરની વચ્ચે ગૂગલની ટેકઆઉટ સર્વિસમાં આ ખામી સર્જાઈ હતી. ગૂગલ ટેકઆઉટ સર્વિસનો ઉપયોગ યૂઝર્સ પોતાના ડેટા ડાઉનલોડ કરવા માટે કરે છે.
આ ખામીનો શિકાર એવા યૂઝર્સ થયા છે જેમણે પોતાની ગૂગલ ફોટોઝ એપમાં રહેલા ડેટાને એક્સપોર્ટ કરવા માટે રિક્વેસ્ટ મોકલી હતી. ચાર દિવસ સુધી ગૂગલને પણ આ ખામી અંગે જાણકારી નહતી જેથી એક્સપોર્ટ ટૂલે અજાણ્યા યૂઝર્સના આર્કાઈવ્સમાં એ વિડિયો એડ કરી દીધા હતાં.
ગૂગલના એક પ્રવક્તાએ કહ્યું કે, અમે આ ખામીથી પ્રભાવિત બધા જ યૂઝર્સને એલર્ટ કરવાનું શરૂ કરી દીધું છે. અમે આ ખામીની સુધારી લીધી છે અને આ સમગ્ર ઘટનાની યોગ્ય રીતે તપાસ ચાલી રહી છે જેથી ભવિષ્યમાં આવી કોઈ ખામી ન સર્જાય. આ બદલ અમે યૂઝર્સની માફી માંગીએ છીએ.
આ ટેક્નીકલ ખામીને લીધે કેટલા લોકોના અંગત વિડિયો અજાણ્યા લોકો પાસે પહોંચ્યા છે એ અંગે ગૂગલે કોઈ જાણકારી નથી પણ ગૂગલે કહ્યું છે કે, તેનાથી 0.01 ટકા કરતા પણ ઓછા યૂઝર્સ પ્રભાવિત થયા છે. મહત્વનું છે કે, વિશ્વભરમાં ગૂગલ ફોટોઝના 100 કરોડથી પણ વધુ યૂઝર્સ છે, જેથી 0.01 ટકાનો અર્થ છે કે, ખામીને કારણે લાખો યૂઝર્સના ડેટાને નુકસાન પહોંચ્યું છે.