નવી દિલ્હીઃ ભારતમાં દર વર્ષે 25 ડિસેમ્બરનો દિવસ સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ જ તારીખે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેયીનો જન્મદિવસ પણ છે. તેથી વાજપેયીના નેતૃત્ત્વ તથા સમાજને એમણે આપેલા યોગદાન બદલ એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે સત્તા સંભાળી ત્યારથી દર વર્ષની 25 ડિસેમ્બરનો દિવસ સુશાસન દિવસ તરીકે ઉજવે છે. મોદી સરકારે 2014ની 23 ડિસેમ્બરે વાજપેયીને ‘ભારત રત્ન’ પુરસ્કારથી સમ્માનિત કર્યા હતા. સાથોસાથ, જાહેરાત કરી હતી કે હવેથી દર વર્ષે દેશમાં 25 ડિસેમ્બરનો દિવસ સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવશે.
સુશાસન દિવસે સરકારની જવાબદારીઓ અને ફરજો વિશે નાગરિકોને શિક્ષિત-જાગ્રત કરવામાં આવે છે. આની પાછળનો હેતુ નાગરિકો અને સરકાર વચ્ચેનું અંતર દૂર કરવાનો છે અને બંને પક્ષ તરફથી સક્રિય ભાગીદારીને પ્રોત્સાહિત કરવાનો છે. સરકાર 19 ડિસેમ્બરથી જ સુશાસન સપ્તાહ ઉજવણી શરૂ કરે છે. સપ્તાહ-લાંબા કાર્યક્રમનું 25 ડિસેમ્બરે સમાપન થાય છે. આ સપ્તાહ દરમિયાન સરકારના વિવિધ વિભાગો દ્વારા વહીવટીય સુધારા તથા જનતા તરફથી કરવામાં આવેલી ફરિયાદોનું નિવારણ કરવામાં આવે છે. એ માટે સેમિનાર, સંમેલનોનું આયોજન કરાય છે.
વાજપેયીનો જન્મ 1924ની 25 ડિસેમ્બરે થયો હતો. તેઓ ભારતના રાજકારણના દિગ્ગજ નેતા હતા અને દેશના 10મા ક્રમના વડા પ્રધાન બન્યા હતા. એમણે વડા પ્રધાન પદ ત્રણ વખત સંભાળ્યું હતું – 1996માં 13 દિવસની મુદત, 1998-1999 દરમિયાન 13 મહિનાની મુદત અને 1999-2004 સુધી પાંચ વર્ષની મુદત. વડા પ્રધાન તરીકે પાંચ વર્ષની મુદત પૂરી કરનાર તેઓ દેશના પહેલા બિન-કોંગ્રેસી નેતા બન્યા હતા. તેઓ દૂરદર્શી રાજનેતા, સાચા દેશભક્ત અને પ્રખર વક્તા હતા. ઉત્તમ કવિ અને લેખક પણ હતા. સંસદસભ્ય તરીકેની એમની કારકિર્દી પાંચ દાયકાથી લાંબી રહી હતી. લોકસભામાં તેઓ 10 વખત અને રાજ્યસભામાં બે વખત ચૂંટાઈ આવ્યા હતા. તેઓ લખનઉ લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરતા હતા. 2009માં નાદુરસ્ત તબિયતને કારણે તેઓ સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થયા હતા.