શ્રીહરિકોટા (આંધ્ર પ્રદેશ): અવકાશમાંથી પૃથ્વી પર નિરીક્ષણ રાખવાના હેતુથી બનાવવામાં આવેલા સેટેલાઈટ EOS-03ને લોન્ચ કરવામાં ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ને આજે સફળતા મળી નથી. સંસ્થાએ શ્રીહરિકોટા સ્થિત સતીષ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી આજે સવારે 5.43 વાગ્યે GSLV-F10 મારફત કૃત્રિમ ઉપગ્રહ EOS-03ને અવકાશ ભણી રવાના કર્યો હતો. એ તબક્કામાં તો સફળતા મળી હતી, પરંતુ ક્રાયોજેનિક એન્જિનમાં કોઈક ટેક્નિકલ ખામી ઊભી થતાં ‘ઈસરો’નું આ મિશન સંપૂર્ણપણે સફળ રહ્યું નહોતું. ઈસરોના ચેરમેન કે. સિવને કહ્યું છે કે પ્રક્ષેપણ વખતે ક્રાયોજેનિક તબક્કામાં ટેક્નિકલ ખામી ઊભી થઈ હતી એને કારણે ઈસરોના વિજ્ઞાનીઓને આંકડા મળવાનું બંધ થઈ ગયું હતું તેથી ઈસરોનું GSLV-F10/EOS-03 મિશન સંપૂર્ણપણે સફળ રહ્યું નથી.
આ પ્રક્ષેપણ જો સફળ રહ્યું હોત તો ભારતને ફાયદો થાત. આ સેટેલાઈટ અવકાશમાં સ્થિર થયા બાદ ધરતીનું અવલોકન કરીને સંસ્થાના વિજ્ઞાનીઓને મહત્ત્વની જાણકારી આપત. પરંતુ સેટેલાઈટને કક્ષામાં સ્થિર મૂકવામાં નિષ્ફળતા મળી છે. 2017ની સાલ પછી ઈસરોને સેટેલાઈટ/સ્પેસ લોન્ચિંગ મિશનમાં આ પહેલી જ વાર નિષ્ફળતા મળી છે. આ પહેલાં સંસ્થાના 14 મિશન સફળ થયા હતા.