ગૌશાળામાં ઊઠવા, સૂવાથી ઠીક થશે કેન્સરઃ મંત્રીનો દાવો

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના સાકર મિલ ખાતાના મંત્રી સંજય સિંહ ગંગવારે એક અજીબોગરીબ દાવો કર્યો છે. તેમનો દાવો છે કે ગૌશાળાની સાફસફાઈ કરવાથી અને ત્યાં ઊઠવા, બેસવા અને સૂવાથી કેન્સરના દર્દી ઠીક થઈ જશે. આ સિવાય ગાયને હાથ ફેરવવાથી બ્લડ પ્રશરની દવા પણ અડધી થઈ જશે, એમ તેમણે કહ્યું હતું.

પીલીભીતના નૌગવા પકડિયામાં રૂ. 55 લાખના ખર્ચે એક ગૌશાળા બનાવવામાં આવી છે. એનું નામ કાન્હા ગૌશાળા રાખવામાં આવ્યું છે. ગૌશાળાના ઉદઘાટન પછી સંજય સિંહ ગંગવાલે સામાન્ય જનતાને સંબોધિત કરી હતી. એ દરમ્યાન તેમણે કેન્સર અને BPથી સંબંધિત રોગોને ઠીક કરવા સહિતના અનેક દાવા કર્યા હતા.

જો કોઈ બ્લડ પ્રેશરનો દર્દી છે તો એ અહીં આવે. તેણે સવાર-સાંજ ગાયની પીઠ પર હાથ ફેરવવો જોઈએ. તેની સેવા કરવી જોઈએ. જો કોઈ વ્યક્તિને બ્લડ પ્રેશર માટે દવાની 20 મિલિગ્રામનો ડોઝ લઈ રહ્યો છે. તો એ 10 દિવસોમાં બ્લડ પ્રેશરની દવા અડધી થઈ જશે. જો કેન્સરનો દર્દી ગૌશાળામાં સાફસફાઈ શરૂ કરી દે અને ત્યાં સૂવાનું શરૂ કરે તો કેન્સરની બીમારી ઠીક થશે. ગાયના છાણના છાણાં સળગાવવાથી મચ્છરોથી રાહત મળે છે. ગાય જે કંઈ પેદા કરે છે, એનાથી કોઈ ને કોઈ પ્રકારે ઉપયોગી હોય છે.

ખેડૂતોએ રખડતા પશુને અમારા ખેતરમાં છોડી દે, જેથી એ પશુ અમારા ત્યાં ચરે. તેમણે ગાયને માતા સંબોધતાં કહ્યું હતું કે આપણે આપણી માતાની જેમ ગાયની પણ સેવા કરવી જોઈએ, એમ તેમણે કહ્યું હતું.