મુંબઈઃ માત્ર દેશના જ નહીં, પરંતુ વિશ્વના ટોચના ઉદ્યોગપતિઓમાંના એક, અને અદાણી ગ્રુપના વડા ગૌતમ અદાણી ગઈ કાલે અહીં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેને દાદર શિવાજી પાર્ક સ્થિત એમના નિવાસસ્થાન ‘શિવતીર્થ’ ખાતે જઈને મળ્યા હતા. એમની આ મુલાકાતને કારણે રાજકીય વર્તુળોમાં ખૂબ તર્કવિતર્ક થઈ રહ્યા છે અને ચર્ચા શરૂ થઈ ગઈ છે.
એક તરફ મહારાષ્ટ્રમાંથી મોટી યોજનાઓ બહાર જઈ રહી છે. એને કારણે રાજ ઠાકરેએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે, મહારાષ્ટ્રમાં શિંદે-ભાજપ સરકાર પર પ્રહારો કર્યા છે ત્યારે બીજી બાજુ એમની અને ગૌતમ અદાણી વચ્ચે મુલાકાત થઈ છે. બંને મહાનુભાવોએ કયા વિષયો પર ચર્ચા કરી હશે, એમની મુલાકાતનું કારણ શું હશે એ વિશે અનેક સવાલો પૂછવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, મુંબઈના ધારાવી ઝૂંપડપટ્ટી રીડેવલપમેન્ટનો ધરખમ પ્રોજેક્ટ અદાણી ગ્રુપને મળ્યો છે. એના અમલમાં રહેલી અડચણો દૂર કરવાના સંદર્ભમાં અદાણી રાજ ઠાકરેને મળ્યા હોય એવી શક્યતા છે.