નવી દિલ્હીઃ દેશના આઠ પૂર્વ સૈન્ય પ્રમુખોએ રાષ્ટ્રપતિને ચીઠ્ઠી લખીને સેનાના રાજનૈતિક ઉપયોગને રોકવાનો આગ્રહ કર્યો હોવાના ફેક ન્યૂઝની ઘટના સામે આવી છે. જેમાં કહેવાયું હતું કે પૂર્વ સૈન્ય પ્રમુખોએ રાષ્ટ્રપતિ તમામ રાજનૈતિક દળોને કોઈપણ મિલિટ્રી એક્શન અથવા ઓપરેશનનું રાજનીતિકરણ ન કરવા માટે નિર્દેશ આપે. પૂર્વ ચીફ એસ એફ રોડ્રિગ્ઝ અને અન્ય પ્રમુખોએ આવો કોઇ પત્ર લખ્યો હોવાના બધાં માધ્યમોમાં સમાચાર ચમકતાં સ્પષ્ટતા કરી છે કે આ પ્રકારનો કોઇ પત્ર રાષ્ટ્રપતિને લખવામાં આવ્યો નથી. રાષ્ટ્રપતિ ભવને પણ આ પ્રકારનો કોઇ પત્ર મળ્યો હોવાનો ઇનકાર કરી દીધો છે.
જો કે પત્રમાં કોઈપણ ખાસ રાજનૈતિક દળ અથવા નેતાનું નામ નથી લખવામાં આવ્યું ન હતું. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન ઘણી જગ્યાઓ પર સેનાની કાર્યવાહીનો રાજનૈતિક ઉપયોગ થતો દેખાયો છે. સ્થિતી એ થઈ કે ખુદ ચૂંટણી આયોગને આ મામલે દખલ કરવી પડી અને સેના સાથે જોડાયેલા પોસ્ટરો તેમજ બેનરોના ઉપયોગ પર રોક લગાવવી પડી. મંગળવારના રોજ વડાપ્રધાન મોદીએ પ્રથમવાર વોટ આપનારા મતદારોથી બાલાકોટ એર સ્ટ્રાઈક અને પુલવામાના શહીદોને સમર્પિત કરવાનો આગ્રહ કર્યો હતો. આ સીવાય ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પોતાના ભાષણમાં સુરક્ષા દળોને “મોદીજીની સેના“ કહીને સંબોધિત કર્યા હતા.
આ પ્રકારના સમાચારને ફેક ન્યૂઝનું ક્લાસિક ઉદાહરણ ગણાવતાં જનરલ એસએફ રોડ્રિગ્ઝે કહ્યું હતું કે અમે નથી જાણતાં કે આ પ્રકારના ખબર કોણ ફેલાવી રહ્યું છે.રાષ્ટ્રપતિને લખવામાં આવ્યો હોવાના ફેક ન્યૂઝમાં રોડ્રિગ્ઝ ઉપરાંત જનરલ શંકર રોય ચૌધરી, જનરલ દીપક કપૂર, એડમિરલ લક્ષ્મીનારાયણ રામદાસ, એડમિરલ વિષ્ણુ ભાગવત, એડમિરલ સુરેશ મહેતા અને ચીફ માર્શલ એનસી સૂરી જેવા મિલિટ્રી વેટરનનો સમાવેશ થાય છે.