દંતેવાડા હુમલાની જવાબદારી સીપીઆઈ (માઓઈસ્ટ) સંગઠને સ્વીકારી

રાયપુર (છત્તીસગઢ) – ગેરકાયદેસર જાહેર કરાયેલા સંંગઠન સીપીઆઈ (માઓઈસ્ટ)એ ગઈ 9 એપ્રિલે છત્તીસગઢના દંતેવાડામાં કરાયેલા હુમલા માટેની જવાબદારી સ્વીકારી છે. એ હુમલામાં ભાજપના વિધાનસભ્ય તથા ચાર પોલીસ જવાનનાં મરણ નિપજ્યા હતા.

પ્રતિબંધિત સંગઠને કેન્દ્ર સરકાર પર એવો આરોપ મૂક્યો છે કે તે બસ્તર વિસ્તારની કુદરતી સંપત્તિની કોર્પોરેટ ગૃહોને લાભ કરાવવા માટે લૂંટ ચલાવે છે અને એમને પાણીના ભાવે વેચે છે.

આજે માઓવાદીઓએ કથિતપણે ઈસ્યૂ કરેલા અને સોશિયલ મિડિયા પર સર્ક્યૂલેટ કરેલા નિવેદનમાં જણાવાયું છે કે અમારા PLGA (પીપલ્સ લિબરેશન ગેરીલા આર્મી)એ 9 એપ્રિલે હુમલો કર્યો હતો અને ભીમા મંડાવી તથા એમના ચાર સુરક્ષા ચોકિયાતોને મારી નાખ્યા હતા. અમે ચાર શસ્ત્રો પણ મેળવ્યા હતા.

પોલીસે અગાઉ જણાવ્યું હતું કે હુમલા બાદ સુરક્ષા જવાનોની બે રાઈફલો સહિતના 3 શસ્ત્રો ગૂમ થયા હતા.

બે પાનાંનું નિવેદન સાઈનાથ નામ સાથે ઈસ્યૂ કરવામાં આવ્યું છે. સાઈનાથ માઓવાદીઓના દંડકારણ્ય સ્પેશિયલ ઝોનની દરભા ડિવિઝન કમિટીનો સેક્રેટરી છે. દક્ષિણ બસ્તરમાં અનેક લોહિયાળ હુમલાઓ કરવામાં આ સંગઠન જવાબદાર રહેલું છે. 2013ની 25 મેએ બસ્તર જિલ્લામાં જિરમ વેલીમાં કરાયેલા હુમલામાં કોંગ્રેસના ટોચના નેતાઓ માર્યા ગયા હતા.

નિવેદનમાં, માઓવાદીઓએ એવો આક્ષેપ પણ કર્યો છે કે સ્થાનિક ગામવાસીઓઓનો વિરોધ છતાં કેન્દ્ર સરકાર અને પોલીસ એમના વિસ્તારમાં જબરદસ્તીપૂર્વક રોડ બાંધકામ કરાવે છે અને મોબાઈલ ટાવર્સ ઈન્સ્ટોલ કરાવે છે.