તિરુવનંતપુરમ : કેરળમાં વધુ પાંચ જણને કોરોના વાઈરસ લાગુ પડ્યો હોવાનો અહેવાલ છે. આમાંના ત્રણ જણ ઈટાલીથી પાછા ફરેલા વ્યક્તિ છે. એમનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ સાથે ભારતમાં કોરોનાનો શિકાર બનેલા લોકોની સંખ્યા વધીને 39 થઈ છે.
કેરળના આરોગ્ય પ્રધાન શૈલજાએ કહ્યું કે એક દંપતી અને એના પુત્રએ તેઓ ગયા અઠવાડિયે જ્યારે વિદેશથી પાછા ફર્યા હતા ત્યારે તિરુવનંતપુરમ એરપોર્ટ પર હેલ્થ સ્ક્રીનિંગમાંથી છટકીને જતા રહ્યા હતા. આ ત્રણ જણ તેમજ અન્ય બે જણને કોરોના થયો હોવાને સમર્થન મળ્યું છે. આ પાંચેય જણ પઠનમથિટ્ટા જિલ્લાના રાન્નીના રહેવાસી છે.
આ પાંચેયની હાલત સ્થિર છે, પરંતુ એમણે તેમના આરોગ્યની ખૂબ જ કાળજી લેવી પડશે. દંપતીની ઉંમર 50ની ઉપરની છે જ્યારે એમનો પુત્ર 24 વર્ષનો છે. એમણે ગઈ 29 ફેબ્રુઆરીએ ભારત આવવા માટે ઈટાલીમાંથી ફ્લાઈટ પકડી હતી. અન્ય બે જણ એમના જ સગાવહાલા છે.
સાવચેતીના પગલા તરીકે, આ પાંચેય જણને કોટ્ટાયમ શહેરની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ ઈટાલીના વેનિસથી પાછા ફર્યા બાદ એમણે સત્તાવાળાઓને જાણ કરી નહોતી. એમના બંને સગાએ કોરોના વાઈરસના લક્ષણો જણાયા બાદ ખાનગી અને તાલુકા હોસ્પિટલોમાં સારવાર કરાવી હતી. એને પગલે જ એમના વિશેની જાણ થઈ હતી.
આ પાંચેય જણને ગઈ 6 માર્ચના શુક્રવારે પઠનમથિટ્ટા જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને શનિવારે એમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.