રાયપુર (છત્તીસગઢ) – પુલવામા ટેરર હુમલાના સંદર્ભમાં જાણીતા યોગગુરુ બાબા રામદેવે પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું છે અને કહ્યું છે કે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે એની સાથે લડાઈ કરી નાખવાનો ભારત માટે યોગ્ય સમય આવી ગયો છે.
રામદેવે ઉમેર્યું છે કે પાકિસ્તાન સાથે જેવા-સાથે-તેવા વલણ અપનાવવામાં ભારત સરકારને પાકિસ્તાનના વાયવ્ય સરહદ પ્રાંત, બલુચિસ્તાનમાં ચાલી રહેલું અલગતાવાદી આંદોલન મદદરૂપ થઈ શકે છે.
રામદેવે વધુમાં કહ્યું છે કે બલુચિસ્તાનમાં આઝાદી માટે લડત ચલાવતા લોકોને ભારતે નાણાકીય તેમજ રાજકીય રીતે મદદ કરવી જોઈએ, એમને શસ્ત્રો પણ આપવા જોઈએ. બલુચિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરાવવા માટે ભારતે દરેક પ્રયાસ કરવો જોઈએ.
રામદેવે તો ત્યાં સુધી કહ્યું છે કે પાકિસ્તાન અને ત્રાસવાદીઓને ભારતે જડબાતોડ જવાબ આપવો જોઈએ. સૌથી પહેલું કામ તો આપણે પાકિસ્તાનના ત્રણ ટૂકડા જ કરી નાખવા જોઈએ.
ઉલ્લેખનીય છે કે, ગયા ગુરુવારે જમ્મુ અને કશ્મીરના પુલવામા જિલ્લામાં કરાયેલા એક આતંકવાદી આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા. એ હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી ગ્રુપ જૈશ-એ-મોહમ્મદે લીધી છે.
રામદેવે કહ્યું કે પાકિસ્તાનની ત્રાસવાદી પ્રવૃત્તિઓને કારણે અત્યાર સુધીમાં 50 હજારથી વધુ સૈનિકો અને નાગરિકોએ જાન ગુમાવ્યા છે. હવે આપણે પાકિસ્તાનને પાઠ ભણાવવો જોઈએ. આપણે યુદ્ધ કરવું જ જોઈએ. દરરોજ આ રીતે સહન કરવાને બદલે યુદ્ધ કરીને પાકિસ્તાનને એવો પાઠ ભણાવવો જોઈએ કે એ આવતા 50 વર્ષ સુધી આપણી સામે માથું ઉંચકવાની હિંમત ન કરે.
રામદેવે કહ્યું કે પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીરને ભારતમાં ભેળવી દેવું જોઈએ. ત્યાં સક્રિય તમામ ત્રાસવાદી અડ્ડાઓનો નાશ કરી દેવો જોઈએ.