બિહાર: મોબ લિંચિંગની વધતી જતી ઘટનાઓ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર લખનારી 49 જાણીતી હસ્તીઓ વિરુદ્ધ ગુરુવારે મુઝફ્ફરપુરમાં કેસ નોંધાયો છે. જેમાં રામચંદ્ર ગુહા, મણિરત્નમ અને અપર્ણા સેન સહિત ઘણી દિગ્ગજ હસ્તીઓના નામ સામેલ છે. સ્થાનિક વકીલ સુધીર કુમાર ઓઝાની તરફથી 2 મહિના પહેલા દાખલ કરેલી અરજી પર મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ(CJM) સૂર્યકાંત તિવારીના આદેશ બાદ કેસ નોંધવામાં આવ્યો છે.
ઓઝાએ કહ્યું કે,CJMએ 20 ઓગસ્ટની મારી અરજી સ્વીકારી હતી. 3 ઓક્ટોબરે પોલીસ સ્ટેશનમાં પ્રાથમિક FIR નોંધાઈ હતી. મોદીને લખેલા પત્રમાં હસ્તાક્ષર કરનારી 50 હસ્તીઓને આરોપી માનવામાં આવી છે. તેમની પર દેશની અને વડાપ્રધાન મોદીની છબીને ખરાબ કરવાનો અને અલગવવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો આરોપ છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, ઈન્ડિયન પેનલ કોડ(IPC)ની વિવિધ ધારાઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવી, રાજદ્રોહ, શાંતિ ભંગ કરવા જેવી કલમો લગાડવામાં આવી છે.
ફિલ્મ નિર્માતા મણિરત્નમ, અનુરાગ કશ્યપ સહિત 50 હસ્તીઓએ પત્ર લખ્યો હતો
કલા, સાહિત્ય અને અન્ય ક્ષેત્ર સાથે જોડાયેલી 49 જાણીતી હસ્તીઓએ 23 જૂલાઈએ વડાપ્રધાન મોદીને ખુલ્લો પત્ર લખ્યો હતો. જેમાં મુસ્લિમ, દલિત અને અન્ય સમુદાયો વિરુદ્ધ ભીડ દ્વારા કરાયેલી હિંસા(મોબ લિંચિંગ) પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી હતી. આ ચિઠ્ઠીમાં અર્પણા સેન, કોંકણા સેન શર્મા, રામચંદ્રગુહા, અનુરાગ કશ્યપ, શુભા મુદ્રુલ જેવા અલગ અલગ ક્ષેત્રના દિગ્ગજોના હસ્તાક્ષર હતા. સરકારે પત્રમાં લગાવાયેલા આરોપોને ફગાવ્યા હતા.