બાપુનું આ ઘર-મ્યુઝિયમ બધાને ટક્કર મારે એવું છે

નવી દિલ્હી: આખો દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ ઉજવી રહ્યો છે ત્યારે બાપુના એક એવા પ્રેમી વિશે જાણીએ જેના માટે બાપુ માત્ર વર્ષેદા’ડે શ્રદ્ધાંજલિ આપવા પૂરતા મહાત્મા નથી. પ્રયાગરાજમાં ગાંધીજીનો એક અનોખો પ્રેમી રહે છે. એણે પોતાના આખા ઘરને જ ગાંધી-સ્મૃતિસ્થાન જેવું બનાવી રાખ્યું છે. અનીલ રસ્તોગી નામના આ ગાંધીપ્રેમીએ એવું આગવું મ્યુઝિયમ બનાવ્યું છે, જેમાં એક-એકથી ચડિયાતી સામગ્રી મળી રહે.
દુનિયાના તમામ દેશોમાં જ્યાં-જ્યાં ગાંધીજીના નામે ટિકિટ, ચલણી નોટસિક્કા કે પોસ્ટકાર્ડ જેવા કોઈ પણ સ્મૃતિચિહ્નો જાહેર થયા હોય એ બધા અહીં ભેગા કરવામાં આવ્યા છે. ઉપરાંત બાપુના નામે બહાર પડાયેલા સોવેનિયર, ગ્રીટિંગ ને અન્ય પોસ્ટલ સ્ટેશનરી, ફોન કાર્ડ્સ વગેરે જેવી વિવિધ સામગ્રી અહીં છે.
વ્યવસાયે વેપારી રહી ચૂકેલા અનીલ રસ્તોગીએ 15 વર્ષની ઉંમરથી ગાંધીજીની સામગ્રી ભેગું કરવાનું શરૂ કરી દીધેલું. અનીલ કહે છે કે 2 ઓક્ટોબર 1969થી એમણે ગાંધીજીને લગતી તમામ ચીજવસ્તુઓ ભેગી કરવાનું આરંભ્યું હતું, ત્યારથી એ ગાંધીજી, એમના આદર્શો અને સિદ્ધાંતોના પ્રેમમાં પડી ગયા હતા. અત્યારે અનીલજીના આ ‘મોહન સે મહાત્મા તક’ નામના મ્યુઝિયમમાં 3750 તો ટપાલ ટિકિટો છે, જેમાં 2600 ભારતની અને 1150 વિદેશી છે. અનીલજી એમનું આ કલેકશન કુંભમેળામાં પણ પ્રદર્શિત કરી ચૂક્યા છે. સરકાર તરફથી પણ અનીલજીને અનેક સમ્માન મળ્યાં છે.