નવી દિલ્હી- નેતાજી સુભાષચંદ્ર બોઝના મૃત્યુનું રહસ્ય ફ્રાંસની એક ફાઈલમાં છૂપાયેલું છે અને એ ફાઈલને આગામી 100 વર્ષ માટે બંધ કરી દેવામાં આવી છે. જો આ ફાઈલ ખોલવામાં આવે તો અનેક રહસ્યો પરથી પડદો ઉઠી શકે છે તેમ ઈતિહાસકારોનું માનવું છે.
પેરિસના જાણીતા ઈતિહાસકાર જેબીપી મોરે ફ્રાંસના સૈન્ય અધિકારીઓની એક ગુપ્ત ફાઈલ જોવા અંગે પરવાનગી માગી હતી, પરંતુ ફ્રાંસના અભિલેખાગાર વિભાગે તેનો ઈનકાર કર્યો છે. આ ફાઈલ અંગે ઈતિહાસકારોનું માનવું છે કે, તેમાં નેતાજી સુભાષચંદ્ર બોઝના મૃત્યુ સાથે જોડાયેલા અનેક રહસ્યો આ ફાઈલમાં છુપાયેલાં છે. આ અંગે ઈતિહાસકાર જેબીપી મોરે જણાવ્યું કે, મને ફ્રાંસના અભિલેખાગાર વિભાગ તરફથી જણાવવામાં આવ્યું કે, નેતાજી બોઝની ફાઈલને આગામી 100 વર્ષ માટે બંધ કરી દેવામાં આવી છે.
મોરે કહ્યું કે, વર્ષોનાં રિસર્ચ બાદ હું એ તથ્ય પર પહોંચ્યો છું કે, બોઝનું મૃત્યુ સાઈગોનમાં થયું હતું. ફ્રેન્ચ સીક્રેટ સર્વિસીઝના રેકોર્ડ મુજબ કહી શકાય કે, નેતાજીનું મૃત્યુ કદાચ વિયેતનામના બોટ કેબિનેટ જેલમાં થયું હતું. આપને જણાવી દઈએ કે, મોર પેરિસની એક કોલેજમાં પ્રોફેસર છે. તેમણે જણાવ્યું કે, ફ્રેન્ચ અધિકારીઓના પત્રથી મને આશ્ચર્ય થયું છે.
મોરે વધુમાં જણાવ્યું કે, સાઈગોનમાં INA અને બોઝ સાથે જોડાયેલી જાણકારીવાળી મહત્વની ફાઈલો જોવાની મને પરવાનગી આપવામાં આવી ન હતી. જેથી મારી ધારણા વધુ મજબૂત થઈ કે બોઝના મૃત્યુ સાથે સંકળાયેલી ફાઈલો ગુપ્ત રાખવામાં આવી છે.
મોરે કહ્યું કે, એક વાત તો સ્પષ્ટ છે કે, બોઝનું મૃત્યુ પ્લેન ક્રેશમાં થયું ન હતું. જોકે લોકોની ધારણા એવી છે કે, નેતાજી પ્લેન ક્રેશમાં મૃત્યુ પામ્યા હતા. જો તેમનું મૃત્યુ પ્લેન ક્રેશમાં થયું હોય તો ટોક્યોમાં રાખવામાં આવેલા તેમના અસ્થિનો DNA ટેસ્ટ કરવો જોઈએ તેથી સત્ય સામે આવશે. હવે જો DNA ટેસ્ટ કરવામાં આવ્યો જ નથી તો એ વાતની પુરી શક્યતા છે કે, એ અસ્થિઓ નેતાજીની નથી.
નેતાજી સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ કેવી રીતે થયું એ પ્રશ્ન 70 વર્ષથી વણઉકેલ્યું રહસ્ય બની રહ્યો છે. જોકે એક RTIના જવાબમાં ભારત સરકારે જણાવ્યું કે, નેતાજીનું મૃત્યુ 18 ઓગસ્ટ 19945ના રોજ તાઈવાનમાં વિમાન દુર્ઘટનામાં થયું હતું.