‘પદ્માવતી’ વિવાદઃ ૩૦ સંસદસભ્યોએ ભણસાલીની બે કલાક પૂછપરછ કરી

નવી દિલ્હી – પોતાની હિન્દી ફિલ્મ ‘પદ્માવતી’ અંગે થયેલા ભારે વિરોધ અને વિવાદ વચ્ચે દિગ્દર્શક સંજય લીલા ભણસાલી આજે અહીં ઈન્ફોર્મેશન અને ટેક્નોલોજી અંગેની સંસદીય સમિતિ સમક્ષ હાજર થયા હતા અને એવી રજૂઆત કરી હતી કે આ વિવાદ માત્ર અફવાઓ પર આધારિત છે. પોતે આ ફિલ્મમાં ૧૬મી સદીમાં થઈ ગયેલાં રાજપૂત રાણી પદ્માવતી વિશેની ઐતિહાસિક હકીકતો સાથે ચેડાં કર્યાં હોવાના આક્ષેપોને એમણે નકારી કાઢ્યા છે.

સંસદભવન ખાતે સંસદીય સ્થાયી સમિતિના સભ્યોએ આજે ભણસાલીની બે કલાક સુધી કડક રીતે પૂછપરછ કરી હતી. એ બેઠકમાં પ્રસૂન જોશી પણ હાજર હતા જેઓ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (સેન્સર બોર્ડ)ના ચેરમેન છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, ભણસાલીને પૂછવામાં આવ્યું હતું કે તમે સેન્સર બોર્ડે મંજૂરી આપી એ પહેલાં અમુક પત્રકારોને આ ફિલ્મ શા માટે બતાવી હતી?

ભણસાલીએ ભાજપના સંસદસભ્ય અનુરાગ ઠાકુરની આગેવાની હેઠળ 30-સભ્યોની સમિતિને જણાવ્યું હતું કે બધો વિવાદ અફવાઓ પર આધારિત છે. મેં ઐતિહાસિક હકીકતો સાથે કોઈ ચેડાં કર્યાં નથી. આ ફિલ્મ મલિક મુહમ્મદ જાયસીની કવિતા ‘પદ્માવત’ પર આધારિત છે. અમારો ઈરાદો કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાનો નથી.

બેઠકમાં કોંગ્રેસના રાજ બબ્બર અને ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.

સંસદીય સમિતિને જવાબ આપવા માટે દિગ્દર્શકને 14 ડિસેંબર સુધીનો સમય આપવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, દીપિકા પદુકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂર અભિનીત ‘પદ્માવતી’ ફિલ્મ અગાઉ 1 ડિસેમ્બરે રિલીઝ કરવાનું નક્કી કરાયું હતું, પણ બાદમાં એક નિર્માતા કંપનીએ ફિલ્મની રિલીઝને મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી.

કથિત વાંધાજનક દ્રશ્યો કાપ્યા વિના આ ફિલ્મને રિલીઝ કરવા સામે રાજસ્થાન સ્થિત રાજપૂત સમુદાયની સંસ્થા રાજપૂત કરણી સેના સહિત અનેક સંગઠનોએ જોરદાર રીતે વિરોધ નોંધાવ્યો છે. રાજસ્થાન, ગુજરાત સહિત છ રાજ્યોએ આ ફિલ્મને રિલીઝ ન કરવાનો નિર્ણય લીધો છે.