નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે લાગુ કરેલા 3 કૃષિ કાયદાની વિરુદ્ધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોના સંગઠનના અનેક નેતાઓએ રાજીનામું આપ્યા બાદ સંગઠનમાં મતભેદો અને ઝઘડા ઊભા થયાના અહેવાલોને ભારતીય કિસાન યૂનિયન (બીકેયૂ)ના પ્રવક્તા રાકેશ ટિકૈતે અફવા ગણાવીને રદિયો આપ્યો છે. એમણે કહ્યું કે નોઈડા-દિલ્હી સરહદ પર ચિલ્લા સ્થળે હાઈવેને ખુલ્લો કરવાના યૂનિયનના વડા ભાનુપ્રતાપ સિંહના નિર્ણયથી અપસેટ થવાને કારણે બીકેયૂ (ભાનુ) જૂથના 3 નેતાએ રાજીનામું આપ્યું છે. અન્ય ખેડૂતોમાં કોઈ વિખવાદ નથી.
ટિકૈતે વધુમાં કહ્યું કે અમે બીજે ક્યાંય જવાના નથી, અહીંયા જ રહેવાના છીએ. ખેડૂતો આંદોલનને ઉગ્ર બનાવવાની પૂરી તૈયારી સાથે અહીં જ છે. કૃષિ કાયદા સામેના આંદોલન ચલાવતા ખેડૂતોમાં બીકેયૂ અગ્રગણ્ય જૂથોમાંનું એક છે.