નવી દિલ્હી- ચીનના વધતા જતા વિસ્તારવાદી વલણને અંકુશમાં રાખવા માટે ભારત જાપાન સાથે હાથ મિલાવે તેવી શક્યતા છે. જાપાનના રાજદૂતનું કહેવું છે કે, બંન્ને દેશો વચ્ચે મિલિટરી લોજિસ્ટિક મુદ્દે સમજૂતી થઈ શકે છે. આ કરાર બાદ એક બંન્ને દેશો એકબીજાના નેવલ બેસ સુધી પોતાની પહોંચને સુનિશ્ચિત કરી શકશે.
મહત્વનું છે કે,ચાલુ સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના પ્રવાસે જઈ રહ્યાં છે. બંને દેશો વચ્ચેના પ્રસ્તાવિત વાર્ષિક શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદી જાપાનના વડાપ્રધાન શિંજો આબે સાથે વાટાઘાટો કરશે. જાપાનમાં શિંજો આબે સાથે વાતચીતનો મુખ્ય એજન્ડા ભારત અને જાપાનના સૈન્ય વચ્ચેના સંબંધોને મજબૂત કરવાનો રહેશે. વડાપ્રધાન મોદી અને શિંજો આબેના કાર્યકાળમાં બંન્ને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો ઝડપથી વિકસિત થયાં છે. બંને દેશોની સેનાઓએ અમેરિકાની સેના સાથે મળીને હિંદ મહાસાગરમાં નૌસૈન્ય અભ્યાસ પણ કર્યો છે.
ભારતમાં જાપાનના રાજદૂત કેંજી હિરમાત્સુએ બંને સેનાઓ વચ્ચે સૈન્ય સમજૂતીની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યુ છે કે, ચીનની દખલગીરીના વલણને રોકવા માટે સમજૂતી થવી સ્વાભાવિક છે. આ સમજૂતી હેઠળ જાપાનના યુદ્ધજહાજોને અંદમાન-નિકોબાર ટાપુઓ સહીત ભારતના મુખ્ય નેવલ બેઝમાંથી ઈંધણ અને સર્વિસિંગ પ્રાપ્ત કરી શકશે.
અંદમાન-નિકોબાર ટાપુ સમૂહ મલક્કા સ્ટ્રેટ્સ પાસે આવેલો છે. અહીંથી મોટા પ્રમાણમાં જાપાન અને ચીનને વ્યાપારીક ચીજવસ્તુઓ તથા ઈંધણની આપૂર્તિ માટે જહાજોની આવન-જાવન થાય છે. ભારત અને જાપાન વચ્ચેની સૈન્ય સમજૂતીને કારણે ભારતીય નૌસૈન્ય જહાજોના રખરખાવ માટે જાપાની સુવિધાઓ પણ પ્રાપ્ત કરી શકાશે. મોદી સરકારે 2016માં અમેરિકા સાથે આ સૈન્ય સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે.
તમને જણાવી દઈએ કે, થોડ સમય પહેલા જ ભારત અને ચીન વચ્ચે ડોકલામ મુદ્દે તણાવ ઉભો થયો હતો. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે, બંન્ને દેશો વચ્ચે તણાવનું મુખ્ય કારણ પહાળી જમની નહીં પરંતુ હિંદ મહાસાગર છે. એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, હિંદ મહાસાગર પર દબદબો જમાવવા માટે બંન્ને દેશો વચ્ચે ટકરાવ થઈ શકે છે.