નવી દિલ્હી: પૂર્વમાં સમાજવાદી પાર્ટી (એસપી)ના કદ્દાવર નેતા રહેલા અમર સિંહે થોડા દિવસો પહેલા જ બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમના પરિવારની માફી માગી હતી. આ દરમિયાન અમરસિંહે જણાવ્યું કે તેઓ હાલ સિંગાપોરમાં છે અને મોત સામે ઝઝૂમી રહ્યાં છે. હવે એક વિડીયો પોસ્ટ કરીને તેમણે કહ્યું છે કે, ‘કેટલાક લોકો મારા મોતની ખબર ફેલાવી રહ્યાં છે. જે સમગ્ર રીતે ખોટી છે.’
કહ્યું,’ટાઈગર અભી ઝિંદા હૈ’ આ સાથે જ તેમણે વિડીયો સાથે લખ્યું કે, મારા શુભચિંતક અને મિત્રોએ અફવા ખૂબ ઝડપથી ફેલાવી છે કે યમરાજે મને તેની પાસે બોલાવી લીધો છે. આવું બિલકુલ નથી. મારી સારવાર ચાલી રહી છે.’ ‘ટાઈગર અભી ઝિંદા હૈ’. આ વિડીયોમાં અમર સિંહ એવું કહેતા જોવા મળે છે કે,’સિંગાપુરથી હું અમર સિંહ બોલી રહ્યો છું. મારામાં હિંમત બાકી છે. જોશ પણ બાકી છે અને હોશ પણ બાકી છે.
અમર સિંહે કહ્યું કે, જલદીથી જ બમણી તાકાતથી પરત આવીશ અને તમારા લોકો વચ્ચે હંમેશની જેમ…જેવો છું, તમારો જ છું. ખરાબ છું કે સારો છું, ગમે તેવો… પોતાની ચીરપરિચિત શૈલી, પ્રથા અને પરંપરા અનૂકુળ જેમ અત્યારે જીવન પસાર કર્યું છે. એમ જ આગળ પણ જીતતો રહીશ.’
મહત્વનું છે કે, અમર સિંહનું એક સમયે સમાજવાદી પાર્ટીના કદાવર નેતાઓમાં નામ લેવાતું હતું. વર્ષ 2010માં તેમણે તેમની નવી પાર્ટી રાષ્ટ્રીય લોક મંચની રચના કરી. ત્યારપછી તેણે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં 360 બેઠકો પર ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા પણ એક પણ બેઠક પર જીત મળી નહતી. આ ઉપરાંત તેમણે રાષ્ટ્રીય લોકદળથી લોકસભા ચૂંટણી પણ લડી હતી.