નવી દિલ્હીઃ દેશમાં ઝડપથી ફેલાઈ રહેલા ઓમિક્રોન વેરિયેન્ટને વધુ પ્રસરતો અટકાવવા માટે કેન્દ્ર સરકારે પ્રતિબંધો વધુ કડક બનાવ્યા છે. હવે વિદેશથી ભારતમાં આવનારા બધા પેસેન્જરોએ એક સપ્તાહે ફરજિયાતપણે ક્વોરોન્ટિન રહેવું પડશે. આરોગ્ય મંત્રાલયે આ સંબંધે નિવેદન જારી કરતાં જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય પેસેન્જરો માટે સુધારેલા દિશાનિર્દેશો જારી કર્યા છે, જેનાથી કોરોનાના ઓમિક્રોન વેરિયેન્ટના સંક્રમણને રોકી શકાય. હોમ ક્વોરોન્ટિનનો નિયમ આજથી લાગુ થશે.
પ્રતિકાત્મક તસવીરનવા નિયમ મુજબ વિદેશી યાત્રીઓએ સાત દિવસો માટે હોમ ક્વોરોન્ટિન રહેવું પડશે. ભારતમાં આવ્યાના આઠમા દિવસે તેમનો RT-PCR ટેસ્ટ કરવામાં આવશે. એ પછી રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી તેમને આવવા-જવાની છૂટ મળશે. જોકે પાંચ વર્ષથી નાનાં બાળકોને આ નિયમમાંથી છૂટ આપવામાં આવી છે, પણ જો તેમનામાં કોરોના વાઇરસનાં લક્ષણ મળશે તો તેમનો પણ ટેસ્ટ કરાવવામાં આવશે.
આ આદેશમાં કહેવામાં આવ્યું હતું કે વિદેશી પ્રવાસીઓએ આઠમા દિવસે કોરોનાની તપાસના રિપોર્ટ માટે એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે, જેનાથી સંબંધિત રાજ્ય યાત્રી પર દેખરેખ રાખી શકાય. જો રિપોર્ટ નેગેટિવ આવશે તો યાત્રી સાત દિવસ સુધી પોતાના આરોગ્યની દેખરેખ કરશે અને લક્ષણોની તપાસ કરશે. જો પોઝિટિવ રિપોર્ટ આવવા પર યાત્રીના સેમ્પલને જિનોમ સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવશે.
ભારતે કેટલાય દેશોને ‘એટ રિસ્ક’ની યાદીમાં રાખ્યા છે. આ દેશોથી આવનારા યાત્રીઓને એરપોર્ટ પર કોરોના તપાસ કરાવવાની રહેશે. એરપોર્ટથી બહાર જવા અથવા ફરી કનેક્ટિંગ ફ્લાઇટ લેવા પર તેમણે કોરોનાની તપાસનો રિપોર્ટની રાહ જોવાની રહેશે.