‘ઈમરજન્સી એક ભૂલ હતી’: રાહુલ ગાંધીની કબૂલાત

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે દેશમાં ઈમરજન્સી લાદવાનો ભૂતપૂર્વ વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીનો નિર્ણય એક ભૂલ હતી. (રાહુલના દાદી ઈન્દિરા ગાંધીએ વડાં પ્રધાન તરીકે 1975થી 1977 દરમિયાન 21-મહિના માટે દેશભરમાં કટોકટી-ઈમરજન્સી લાગુ કરી હતી જે દરમિયાન સત્તાવાળાઓએ શાસક કોંગ્રેસ પાર્ટીના અનેક વિરોધીઓ-હરીફો પર અત્યાચારો કર્યા હોવાના અહેવાલો છે)

અમેરિકાની કોર્નેલ યૂનિવર્સિટીના પ્રોફેસર અને ભારતના ભૂતપૂર્વ વડા આર્થિક સલાહકાર કૌશિક બાસુ સાથેની વાતચીતમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘ઈમરજન્સી ખરેખર એક ભૂલ હતી અને મારા દાદી (ઈન્દિરા ગાંધી)એ જ એમ કહ્યું હતું. ઈમરજન્સી વખતે જે કંઈ બન્યું હતું એ ખોટું હતું. કોંગ્રેસ પાર્ટીએ દેશના સંસ્થાકીય માળખાને છિન્નભિન્ન કરવાનો ક્યારેય પ્રયાસ કર્યો નહોતો. કોંગ્રેસ પાર્ટીમાં એટલી તાકાત પણ નથી. અમારું બંધારણ જ એવું છે કે અમે એવું ખરાબ ઈચ્છીએ તો પણ કરી શકીએ એમ નથી. પરંતુ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જે કરી રહ્યું છે એ મૂળભૂત રીતે અલગ છે. એ દેશની સંસ્થાઓમાં પોતાના માણસોને ભરી રહ્યું છે. તેથી ધારો કે અમે ચૂંટણીમાં ભાજપને હરાવી દઈએ તો પણ સંસ્થાકીય માળખામાં એમના લોકોથી અમને છૂટકારો મેળવી શકવાના નથી. કોંગ્રેસ પાર્ટી દેશની આઝાદી માટે લડી હતી અને તેણે દેશને પોતાનું બંધારણ આપ્યું હતું તેમજ સમાનતાના સિદ્ધાંતની તે કાયમ પડખે રહી છે.’