લખનૌઃ ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં ઘર, મસ્જિદ અને મદરેસાઓમાં ગેરકાયદે રીતે વીજચોરી થતી હતી. લોકો એક ફદિયું પણ વીજ બિલ નહોતા જમા કરતા. આ ઘરોમાં ગેરકાયદે રીતે વીજપુરવઠો પણ થઈ રહ્યો હતો. વહીવટી તંત્રને આની જાણ થતાં જિલ્લાધિકારી અને પોલીસ અધિકારીએ કાર્યવાહી માટે ચાર્જ સંભાળ્યો હતો. ત્યાર બાદ વીજ ચોરીના 176 લોકો દોષી માલૂમ પડ્યા હતા. એમાં ચાર મસ્જિદ અને એક મદરેસા પણ સામેલ છે. કુલ રૂ. 3.45 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
વીજ વિભાગની ટીમની સાથે વહીવટી અધિકારી અને પોલીસ ટીમની હાજરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દીપા સરાય મહોલ્લા, મિયાં સરાય, રાયસત્તી અને હિન્દુખેડામાં કરવામાં આવ્યા હતા, જેમાં મોટા પાયે વીજ ચોર પકડવામાં આવ્યા હતા. વહીવટી તંત્રએ વીજ ચોરી કેસમાં દંડ વસૂલવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે.