નવી દિલ્હી-ચૂંટણી પંચ દ્વારા આમ આદમી પાર્ટીની દિલ્હી સરકારનું તખ્ત હચમચાવી દેવામાં આવ્યું છે. ચૂંટણી પંચે 2015માં અરવિંદ કેજરીવાલ સરકારના 20 ધારાસભ્યને ઓફિસ ઓફ પ્રોફિટના મામલે અયોગ્ય ઠરાવી દીધાં છે અને તેની ભલામણ રાષ્ટ્રપતિને મોકલી આપી છે. સૂત્રોના હવાલે બહાર આવેલાં આ સમાચાર મામલે ઇસીએ સ્પષ્ટતા કરી છે મામલો જ્યૂરિડિક્સનમાં છે અને અમે શી ભલામણ મોકલી છે તે અંગે પ્રતિક્રિયા આપી શકીએ નહીં.આપના 20 ધારાસભ્યોને સંસદીય સચીવ બનાવી લાભનું પદ આપી દેવાયું ત્યારથી તેમની સદસ્યતા ખતરામાં આવી ગઇ હતી. ચૂંટણીપંચે અયોગ્ય ઠેરવતાં પહેલાં દિલ્હી હાઇકોર્ટે પણ તેમને અયોગ્ય ઠરાવી દીધાં છે.
બીજીબાજુ સંકટમાં આવી ગયેલી આમ આદમી પાર્ટીએ આક્ષેપ લગાવ્યો કે મુખ્ય ચૂંટણી કમિશનર એ કે જ્યોતિ પોતાની નિવૃત્તિ પહેલાં પેન્ડિંગ કેસો સમાપ્ત કરવા માગે છે એટલે ફટાફટ જૂના મામલાઓ નીપટાવી રહ્યાં છે. આ મહિનાની 22 તારીખે જોતિ નિવૃત્ત થઇ રહ્યાં છે. તેમના ધારાસભ્યોનો નિર્ણય ચૂંટણી પંચ નહીં બલકે કોર્ટમાં થવો જોઇએ કારણ કે તેમના ધારાસભ્યોની રજૂઆત સાંભળવામાં આવી નથી.
આમ આદમી પાર્ટીની દિલ્હી સરકારે માર્ચ 2015માં 21 ધારાસભ્યોને સંસદીય સચીવ બનાવી દેતાં પ્રશાંત પટેલ નામના વકીલે લાભનું પદ બતાવી રાષ્ટ્રપતિને ફરિયાદ કરતાં તેમનું ધારાસભ્યપદ રદ કરવા માગણી કરી હતી. તેમાંથી ધારાસભ્ય જનરેલસિંહે ગત વર્ષે રાજીનામું આપી દીધું છે તેથી આ મામલામાં હાલ 20 ધારાસભ્ય સપડાયેલાં છે.
પ્રશાંત પટેલે પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી કે કેસ એકદમ સ્પષ્ટ છે.તેમની સદસ્યતા રદ થશે. તેમની સદસ્યતા બચવાની કોઇ શક્યતા નથી કારણ કે દિલ્હી સરકારના મુખ્ય સચીવે ચૂંટણી પંચને આપેલ સોગંદનામામાં માન્યું છે કે ધારાસભ્યોને પ્રધાનો જેવી સુવિધા આપવામાં આવી હતી. દિલ્હીમાં સાત પ્રધાનની જગ્યાએ 28 પ્રધાન બનાવી દેવાયાં હતાં.
બંધારણના અનુચ્છેદ 102-1-એ અને 191-1-એ પ્રમાણે સંસદ અથવા વિધાનસભાનો કોઇ સભ્ય જો લાભના અન્ય પદ પર હોય છે તો તેની સદસ્યતા રદ થાય છે. આ લાભના પદ કેન્દ્ર કે રાજ્ય કોઇપણ સરકારનું હોઇ શકે છે.
આ ધારાસભ્યોની સદસ્યતા ખતરામાં…
- પ્રવીણ કુમાર
- શરદ કુમાર
- આદર્શ શાસ્ત્રી
- મદન લાલ
- ચરણ ગોયલ
- સરિતા સિંહ
- નરેશ યાદવ
- રાજેશ ગુપ્તા
- અલકા લાંબા
- નિતીન ત્યાગી
- સંજીવ ઝા
- કૈલાસ ગહેલોત
- વિજેન્દ્ર ગર્ગ
- રાજેશ ઋષિ
- અનિલકુમાર વાજપેયી
- સોમદત્ત
- સુલબીરસિંહ ડાલા
- મનોજકુમાર
- અવતારસિંહ