પાક. કરી રહ્યું છે BSFની 40 પોસ્ટને ટાર્ગેટ, ફાયરિંગમાં 2 સ્થાનિકોનાં મોત

શ્રીનગર- પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. છેલ્લા 24 કલાકમાં પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામના ઉલ્લંઘનની આ બીજી ઘટના છે. પાકિસ્તાને જમ્મુ-કશ્મીરના આરએસ પુરા સેક્ટરમાં ફાયરિંગ કર્યું છે.સવારે 6:30 વાગ્યે જમ્મુના આરએસ પુરા, અરનિયા અને રામગઢ સેક્ટરમાં પાકિસ્તાને ફાયરિંગ કર્યું હતું. મળતી માહિતી મુજબ પાકિસ્તાને ભારતની 40 ચોકીઓને ટાર્ગેટ બનાવીને ફાયરિંગ કર્યું હતું. પાકિસ્તાને ફાયરિંગમાં મોર્ટારનો મારો ચલાવ્યો હતો. આ ઘટનામાં 2 સ્થાનિક લોકોના મોત થયા છે.

ગુરુવારે પણ પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. BSFના સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન ભારતની 30-40 પોસ્ટને ટાર્ગેટ કરીને ફાયરિંગ કરી રહ્યું છે. પાકિસ્તાની રેન્જર્સ ભારતીય નાગરિકોને પણ ટાર્ગેટ કરી રહ્યાં છે.

ભારતીય સેનાએ જવાબી કાર્યવાહીમાં ત્રણ પાકિસ્તાની રેન્જર્સ સહિત કુલ 8 લોકોને ઠાર માર્યા હતાં. પાકિસ્તાનના ફાયરિંગમાં ભારતના એક કોન્સ્ટેબલ શહીદ થયાં હતાં અને એક નાની બાળકીનું મોત થયું હતું.

BSFના ડીજીએ કહ્યું સરહદે સ્થિતિ તણાવપૂર્ણ

પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલાં ફાયરિંગ અંગે BSFના ડી.જી. કેકે શર્માએ જણાવ્યું કે, સરહદ પર સ્થિતિ તણાવપૂર્ણ છે. પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. જેનો જવાબ ભારતે આપ્યો છે. ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનને ઘણું નુકસાન થયું છે. કેકે શર્માએ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય બોર્ડર અને LoC પર સ્થિતિ અસામાન્ય છે. અમે અમારા જવાનોની શહાદત વ્યર્થ નહીં જવા દઈએ.