નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલની મુસીબતો ઓછી થવાનું નામ નથી લેતી. પહેલાં કેજરીવાલના જામીનમાં વિલંબ થયો, એ પછી સ્વાતિ માલીવાલનો વિવાદ ચાલી રહ્યો છે, જેમાં દિલ્હી પોલીસની એક ટીમ કેજરીવાલના ઘરે પહોંચી છે. હવે EDએ દિલ્હી લિકર કૌભાંડમાં આમ આદમી પાર્ટી અને દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલ –બંને વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરીને તેમને આરોપી બનાવ્યા છે.
EDએ રાઉઝ એવેન્યુ કોર્ટમાં દાખલ પૂરક ચાર્જશીટમાં કેજરીવાલની સાથે-સાથે પાર્ટીને પણ આરોપી બનાવી છે. આમ આદમી પાર્ટીની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ થયા પછી હવે પાર્ટીના પદાધિકારીઓની મુશ્કેલીઓ વધી શકે છે. પાર્ટીના સંયોજક હોવાથી કેજરીવાલની મુશ્કેલીઓમાં પણ વધારો થાય એવી શક્યતા છે. EDએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે એજન્સીને આબકારી નીતિ મામલામાં અપરાધની કથિત આવક સંબંધે કેજરીવાલ અને હવાલા ઓપરેટરોની વચ્ચે ચેટની માહિતી પ્રાપ્ત થઈ છે.
તપાસ એજન્સીએ દાવો કર્યો હતો કે કેજરીવાલે ફોન અને અન્ય ઉપકરણોનો પાસવર્ડ આપવાથી ઇનકાર કર્યો તો હવાલા ઓપરેટરોથી ડિવાઇસથી ચેટ મેળવવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી લિકર કેસમાં દિલ્હીના CM કેજરીવાલને એક જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે. એ દરમ્યાન તેઓ CM ઓફિસ અને દિલ્હીના સચિવાલય નહીં જઈ શકે.તપાસ એજન્સી તરફથી હાજર થતાં એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કોર્ટેને કહ્યું હતું કે અમે કેજરીવાલ અને આપ પાર્ટીની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવાનો પ્રસ્તાવ કરી રહ્યા છીએ. તેમણે દાવો કર્યો હતો કે તપાસ એજન્સીની પાસે સાબિત કરવા માટે પર્યાપ્ત પુરાવા છે.