EDની રૂ. 20,000 કરોડની બેન્ક લોન હેરફેર મામલે કાર્યવાહી

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (EDએ) એમટેક ગ્રુપ અને એના પ્રમોટરની વિરુદ્ધ મની લોન્ડરિંગ મામલે તપાસના સિલસિલામાં દિલ્હી, મુંબઈ અને નાગપુર સહિત 35 સ્થળોએ દરોડા પાડ્યા હતા. કંપની અને તેના પ્રમોટર વિરુદ્ધ રૂ. 20,000 કરોડથી વધુની બેન્ક લોનની હેરફેર કરવાનો આરોપ છે. એમટેક ગ્રુપ અને એના ડિરેક્ટરો –અરવિંદ ધામ, ગૌતમ મલ્હોત્રા અને અન્યની વિરુદ્ધ દરોડા પાડવામાં આવી રહ્યા છે.

 પ્રાપ્ત માહિતી મુજબ ગુરુગ્રામ, નોએડા, મુંબઈ અને નાગપુરમાં ગુરુવાર સવારથી 35 કોમર્શિયલ અને રહેણાક સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. CBI દ્વારા એમટેક ગ્રુપની SIL લિની વિરુદ્ધ FIR નોંધ્યા પછી આ મામલામાં મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે. CBIની FIRમાં કેટલીય લિસ્ટેડ કંપનીઓ પર રૂ. 20,000 કરોડથી વધુની બેન્ક લોનની છેતરપિંડી કરવાનો આરોપ છે.

સરકારને રૂ. 10,000-15,000 કરોડનું નુકસાન!

સુપ્રીમ કોર્ટે પણ આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સાથે તપાસના નિર્દેશ આપ્યા હતા. EDના જણાવ્યાનુસાર આ છેતરપિંડીથી સરકારી ખજાનાને આશરે રૂ. 10,000-15,000 કરોડનું નુકસાન થયું છે. EDનું માનવું છે કે બેન્કથી લેવામાં આવેલી લોનની રકમ રિયલ એસ્ટેટ, વિદેશી મૂડીરોકાણ અને નવા ઉદ્યોગોમાં લગાવવામાં આવ્યા હતા. વધુ લોન હાંસલ કરવા માટે ગ્રુપની કંપનીઓમાં ખોટાં વેચાણ, સંપત્તિ, દેવાં અને નફો દેખાડવામાં આવ્યો હતો, જેથી NPA (નોન પર્ફોર્મિંગ એસેટ) ચોપડામાં જોવા ના મળે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

EDએ જણાવ્યું હતું કે શેલ કંપનીઓને નામે હજારો-કરોડોની સંપત્તિઓ બનાવવામાં આવી હતી અને બેનામી ડિરેક્ટરો અને શેરહોલ્ડરોના માધ્યમથી નવાં નામો હેઠળ હજી પણ નાણાં જમા કરવામાં આવી રહ્યાં છે.