નવી દિલ્હી – ચૂંટણી પંચે આદર્શ આચારસંહિતાના ભંગ બદલ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને બહુજન સમાજ પાર્ટીનાં વડાં માયાવતી પર પ્રતિબંધ મૂક્યો છે. યોગી 72 કલાક સુધી અને માયાવતી 48 કલાક સુધી ચૂંટણીપ્રચાર કરી નહીં શકે.
આમ, ચૂંટણી પંચે વાંધાજનક નિવેદનો કરવા બદલ યોગી અને માયાવતી સામે કડક પગલું ભર્યું છે.
યોગીએ ‘અલી અને બજરંગબલી’વાળું નિવેદન કર્યું હતું જ્યારે માયાવતીએ પોતાની પાર્ટીને વોટ આપવાની મુસ્લિમોને અપીલ કરી હતી. આ બંનેનાં નિવેદન સામે ચૂંટણી પંચે કોઈ પગલું નહોતું ભર્યુું એટલે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. પરિણામે પંચને આજે એક્શન લેવું પડ્યું છે.
આ પ્રતિબંધ મંગળવારે સવારે 6 વાગ્યાથી શરૂ થશે, એમ ચૂંટણી પંચની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
આ પ્રતિબંધની જાહેરાત થતાં જ માયાવતીની અમદાવાદમાંની રેલી રદ કરી દેવામાં આવી છે. માયાવતી 17 એપ્રિલે અમદાવાદ આવવાનાં હતાં.